National

૯૦૦થી વધુ દવાઓના ભાવમાં થયો વધારો

નાણાકીય વર્ષના પહેલા દિવસે જ ૯૦૦થી વધુ રોજિંદી વપરાશની જરૂરી દવાઓના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો પોણા બે ટકાની આસપાસનો છે. નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઈસિંગ ઓથોરિટીએ આ ભાવ વધારાને મંજૂરી આપી છે. દર વર્ષે આ વધારો આપવામાં આવે છે. આગળના વર્ષના ૨૦૨૪ના હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સની વધઘટને આધારે આ ભાવ સુધારો કરવામાં આવે છે. ડ્રગ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડરના ફકરાં નંબર ૧૬(૨)માં મેન્યુફેક્ચરર્સને હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સના વધારા પ્રમાણે દવાના ભાવમાં વધારો કરવાની છૂટ આપવામાં આવેલી છે.

૨૦૨૩ની હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સની તુલનાએ ૨૦૨૪માં જાેવા મળેલા વધારાને ધ્યાનમાં રાખીને પ્રસ્તુત વધારો માન્ય રાખવામાં આવ્યો છે. હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સમાં આવેલા વધારા પ્રમાણે દવાના મેન્યુફેક્ચરર્સ તેમની દવાના ભાવમાં પોણા બે ટકા સુધીનો વધારો કોઈની પણ આગોતરી મંજૂરી લીધા વિના કરી શકે છે. આ સિવાયના કિસ્સાઓમાં દવાના ઉત્પાદકોએ નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી સમક્ષ રજૂઆત કરીને ભાવમાં વધારો કરી આપવાની વિનંતી કરવી પડે છે.

હૃદયરોગના દર્દીઓ માટે વપરાતા બેર મેટલના સ્ટેન્ટની કિંમત ૧૦,૯૯૩ રૂપિયા કરી દેવામાં આવી છે. સમયાંતરે લોહીમાં દવા છોડયા કરતા સ્ટેન્ટની કિંમત ૩૮.૯૩૩ રૂપિયા નક્કી કરવામાં આવી છે. હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સના વધારાને આધારે તેના ભાવમાં પણ બે ટકાનો વધારો કરી શકે છે. આ વધારો ૨૦૦ થી ૭૯૦ રૂપિયા સુધીનો આવી શકે છે. જાેકે સ્ટેન્ટના ભાવ ઘટયા પછી તેની પ્રોસિજર એટલે કે સ્ટેન્ટ બેસાડવાની પ્રક્રિયાના ચાર્જ ડૉક્ટરે બમણા કે ત્રણ ગણા કરી દીધા છે. પહેલા સ્ટેન્ટના ભાવ ૧.૫૦ થી ૧.૮૦ લા લેવાતા હતા. સ્ટેન્ટના ભાવ ઘટ્યા પછી ડૉક્ટરોએ તેને બેસાડવાની પ્રક્રિયા ભાવ વધારી દઈને દર્દીના ખિસ્સા પરનો બોજ હળવો થવા દીધો નથી.

પેઇનકિલર તરીકે વપરાતી દવા ડાઈક્લોફેનાકની ટેબ્લેટનો મહત્તમ ભાવ ૨.૦૯ નક્કી કરવામાં આવ્યો છે. આ જ રીતે આઈબુપ્રોફેન ૨૦૦ એમજીની ટેબ્લેટનો ભાવ ૦.૭૨ પૈસા અને ૪૦૦ એમજીની ટેબ્લેટનો ભાવ૧.૨૨ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. આ સિવાય ડ્પાગ્લિફ્લોઝિન, મેટફાર્મિન હાઈડ્રોક્લોરાઈડ અને ગ્લિમિપ્રાઇડ ટેબ્લેટદીઠ ભાવ ૧૨.૭૪ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.

નેશનલ લિસ્ટ ઑફ એસેન્શિયલ મેડિસિનમાં એનેસ્થેશિયાની, એલર્જીનો પ્રતિકાર કરવાની ક્ષમતા ધરાવતી દવાનો પણ સમાવેશ થાય છે. આ દવાઓમાં પેરાસિટામોલ, એનિમિયા તથા વિટામિનની દવાઓનો પણ નેશનલ લિસ્ટ ઑફ એસેન્શિયલ મેડિસિનમાં સમાવેશ થાય છે.

એન્ટિબાયોટિક તરીકે એઝિથ્રોમાઈસિનનો ઉપયોગ વ્યાપકપણે કરવામાં આવે છે. એઝિપ્રોમાઈસિનને ૨૫૦ એમજીની ટેબ્લેટની મહત્તમ કિંમત ૧૧.૮૭ રૂપિયા અને ૫૦૦ એમજીની ટેબ્લેટની એમ.આર.પી. ૨૩.૯૮ રૂપિયા રાખવામાં આવેલી છે. તેની સામે એન્ટિબેક્ટેરિયલ ડ્રાય સિરિપ એમોક્સિસિલીન અને ક્લેવાલાનિક એસિડની મહત્તમ મિલિલીટર દીઠ કિંમત ૨.૦૯ રૂપિયા નક્કી કરવામાં આવી છે. એસિક્લોવિર જેવી એન્ટિવાયરલ દવાના ૨૦૦ એમજીની ટેબ્લેટના મહત્તમ ભાવ ૭.૭૪ અને ૪૦૦ એમજી ટેબ્લેટના ૧૩.૯૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. તેમજ એન્ટિમેલેરિયાની દવા હાઈડ્રોક્લોરોક્વિની ૨૦૦ એમજીની ટેબ્લેટના ૬.૪૭ અને ૪૦૦ એમજીની ટેબ્લેટના ૧૪.૦૪ રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યો છે.