અમે જ્ઞાન-આધારિત અર્થતંત્ર તરીકે ભારતની શક્તિઓનો ઉપયોગ કરવામાં પોર્ટુગલને અમારા ભાગીદાર માનીએ છીએ: રાષ્ટ્રપતિ મુર્મુ
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને પોર્ટુગલના લિસ્બનના સિટી હોલ ખાતે આયોજિત એક સમારંભમાં લિસ્બનના મેયર તરફથી લિસ્બન શહેરનું ‘સિટી કી ઓફ ઓનર‘ પ્રાપ્ત થયું.
આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ આ સન્માન માટે લિસ્બનના મેયર અને લોકોનો આભાર માન્યો. તેમણે કહ્યું કે લિસ્બન તેના ખુલ્લા મન, તેના લોકો અને તેની સંસ્કૃતિની હૂંફ તેમજ તેની સહિષ્ણુતા અને વિવિધતા પ્રત્યેના આદર માટે જાણીતું છે. તેમણે એ જાણીને ખુશી વ્યક્ત કરી કે લિસ્બન એક વૈશ્વિક શહેર છે જે ટેકનોલોજીકલ પરિવર્તન, નવીનતા, ડિજિટલ જાહેર માળખાગત સુવિધાઓ અને ડિજિટલ સંક્રમણમાં મોખરે છે. તેમણે કહ્યું કે ભારત અને પોર્ટુગલ આ ક્ષેત્રોમાં વધુ સહયોગ કરી શકે છે.
ગઈકાલે સાંજે (૭ એપ્રિલ, ૨૦૨૫) રાષ્ટ્રપતિએ પોર્ટુગલ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી માર્સેલો રેબેલો ડી સોસા દ્વારા પેલાસિઓ દા અજુડા ખાતે તેમના સન્માનમાં આયોજિત ભોજન સમારંભમાં હાજરી આપી હતી.
પોતાના ભોજન સમારંભના ભાષણમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણા લોકો વચ્ચેના સાંસ્કૃતિક સંબંધો સદીઓ જૂના છે અને આ સંબંધોએ આપણી સામૂહિક કલ્પનાશક્તિ પર અમીટ છાપ છોડી છે. આમાં આપણો સહિયારો ભૂતકાળ સામેલ છે જે આપણી સ્થાપત્ય, ઐતિહાસિક સ્થળો અને ભાષાઓ તેમજ આપણા ભોજનમાં પ્રતિબિંબિત થાય છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે આ વર્ષનું વિશેષ મહત્વ છે કારણ કે આપણે ભારત-પોર્ટુગલ દ્વિપક્ષીય સંબંધોના ૫૦ વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. આપણા કુદરતી સુમેળ અને વિવિધ ક્ષેત્રોમાં સહયોગની સંભાવના સાથે, આપણા ઐતિહાસિક સંબંધો ગતિશીલ અને સ્વપ્નદ્રષ્ટા ભાગીદારી બનવાના માર્ગ પર છે. વિજ્ઞાન અને ટેકનોલોજી, સંરક્ષણ, આઇટી, સ્ટાર્ટ-અપ્સ, સંશોધન, શૈક્ષણિક અને સાંસ્કૃતિક સહયોગ સહિત વિવિધ ક્ષેત્રોમાં ભારત-પોર્ટુગલ સહયોગમાં સ્થિર અને પ્રગતિશીલ વૃદ્ધિ નોંધીને તેમને આનંદ થયો.
રાષ્ટ્રપતિએ કહ્યું કે જ્ઞાન-આધારિત અર્થતંત્ર તરીકે ભારત વિજ્ઞાન અને ટેકનોલોજી, માહિતી અને સંદેશાવ્યવહાર ટેકનોલોજી, ડિજિટલ જાહેર માળખાગત સુવિધાઓ, સ્ટાર્ટ-અપ્સ અને નવીનતા જેવા ક્ષેત્રોમાં તેની શક્તિઓનો ઉપયોગ કરી રહ્યું છે જેથી એક સમાવિષ્ટ અને ટકાઉ વિકાસ મોડેલ બનાવવામાં આવે જે બધાને લાભ આપે. તેમણે જણાવ્યું કે ભારત આ પ્રયાસોમાં પોર્ટુગલને પોતાનો ભાગીદાર માને છે.
રાષ્ટ્રપતિએ યુરોપિયન યુનિયન સાથે ભારતના સંબંધોને પ્રોત્સાહન આપવામાં પોર્ટુગલની ભૂમિકાની પ્રશંસા કરી. તેમણે ભાર મૂક્યો કે યુરોપિયન યુનિયનના પોર્ટુગલના પ્રમુખપદ દરમિયાન ૨૦૦૦માં પ્રથમ ભારત-ઈેં સમિટ યોજાઈ હતી અને મે ૨૦૨૧ ફરી એકવાર પોર્ટુગીઝ પ્રમુખપદ હેઠળ ઐતિહાસિક “ભારત-ઈેં પ્લસ ૨૭” નેતૃત્વ સમિટ પોર્ટુગલમાં યોજાઈ હતી.
રાષ્ટ્રપતિએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારા સમયમાં ભારત-પોર્ટુગલ દ્વિપક્ષીય સંબંધો વધુ ગાઢ અને વ્યાપક બનશે અને તે ફક્ત આપણા લોકો માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ફાયદાકારક રહેશે.