National

મધ્ય પ્રદેશના ઈન્દોર જિલ્લામાં વહીવટી તંત્રે ખેતરોમાં પરાલી સળગાવનારા ખેડૂતો વિરુદ્ધ કડક કાર્યવાહી; ચાર દિવસમાં ૭૭૦ ખેડૂતોને દંડ

મધ્ય પ્રદેશના ઈન્દોર જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા ખેતરોમાં પરાલી સળગાવનારા ખેડૂતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ખેડૂતોને ભારે દંડ ફટકારવાની સાથે ખેતર માલિકો સામે કેસ નોંધવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

આ બાબતે જિલ્લા મેજિસ્ટ્રેટ આશિષ સિંહે કહ્યું કે, અમે નિયમો અને કાયદા અનુસાર ખેતરોમાં પરાળી સળગાવનારાઓ સામે કડક કાર્યવાહી કરી રહ્યા છીએ. આવી હરકતના કારણે દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે સ્થાન મેળવનાર ઈન્દોરની હવા પર ખરાબ અસર પડી રહી છે. અન્ય એક વહીવટી અધિકારીએ જણાવ્યું કે, જિલ્લામાં ૪ દિવસમાં પરાળી સળગાવવા બદલ ૭૭૦ ખેડૂતો પર કુલ ૧૬.૭૧ લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે.

જિલ્લા મેજિસ્ટ્રેટે પરાળી બાળવાની ઘટનાઓને રોકવા માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૧૬૩ હેઠળ પ્રતિબંધિત આદેશ પણ જારી કર્યો છે. પરાળી બાળવાથી પર્યાવરણ, સામાન્ય લોકો અને પ્રાણીઓને થતા નુકસાનને રોકવા માટે આ આદેશ જારી કરાયો છે. પ્રતિબંધક હુકમનું ઉલ્લંઘન કરવા બદલ સંબંધિત ખેતર માલિકો સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૨૨૩ હેઠળ જિલ્લામાં ત્રણ કેસ દાખલ કરાયા છે.

આ મુદ્દે કાયદાકીય જાેગવાઈ હેઠળ દોષિતને એક વર્ષ સુધીની કેદ અથવા ૫,૦૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા બંને સજા થઈ શકે છે. બીજીતરફ ખેડૂત સંગઠનોએ આ કાર્યવાહીનો વિરોધ કરી વાંધો ઉઠાવી રહ્યા છે. પશ્ચિમ મધ્યપ્રદેશના માલવા-નિમાડ ક્ષેત્રમાં સંયુક્ત કિસાન મોરચાના કન્વીનર રામ સ્વરૂપ મંત્રીએ કહ્યું કે, અમે સહમત છીએ કે ખેતરોમાં પરાળ સળગાવવી ખોટી છે, પરંતુ આવા કિસ્સાઓમાં ખેડૂતોને અચાનક દંડ ફટકારવો અન્યાયી છે. તેમણે માંગ કરી કે, કૃષિ વિભાગના અધિકારીઓ ગામડાંઓની મુલાકાત લે અને પરાળીનો નાશ કરવા માટે અન્ય વ્યવસ્થા કરે.