Gujarat

ઘોઘંબાના પારોલી ગામે રાજપૂત સમાજનો સન્માન સમારોહ યોજાયો

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પારોલી ગામના પોલીસ દરબારગઢ ખાતે પાવાગઢ ક્ષેત્ર રાજપૂત સમાજ દ્વારા ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ક્ષેત્રના વિવિધ વિભાગોમાંથી વયનિવૃત્ત થયેલા કર્મચારીઓ તેમજ સરકારી અને અર્ધસરકારી સેવાઓમાં નવી નિમણૂક પામેલા સમાજના યુવાનોનું સન્માન કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

શિક્ષણ, સેવા અને એકતાને પ્રાધાન્ય આપવા અપીલ સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોએ નિવૃત્ત કર્મચારીઓને નિવૃત્તિમય જીવનની અને નવનિયુક્ત કર્મચારીઓને ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ પાઠવી હતી. વક્તાઓએ સમાજના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ, સેવા અને એકતાને પ્રાધાન્ય આપવા પર વિશેષ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત રાજપૂત સમાજને સામાજિક અને રાષ્ટ્રીય હિતનાં કામોમાં હંમેશા અગ્રેસર રાખવા માટે પણ સમાજના લોકોને અપીલ કરવામાં આવી હતી.

સાંસદ અને ધારાસભ્ય સહિત અગ્રણીઓ રહ્યા હાજર પારોલી ખાતે આયોજિત આ સામાજિક કાર્યક્રમમાં પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ, કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, સ્થાનિક રાજકીય આગેવાનો, રાજપૂત સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમાજના સંગઠનને મજબૂત કરવા અને યુવા પેઢીને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા બદલ આયોજકોની કામગીરીને ઉપસ્થિત સૌએ બિરદાવી હતી.