પંચમહાલ જિલ્લાના ગોધરા રેલવે સ્ટેશન નજીકથી ગુજસીટોક એક્ટના ગંભીર ગુનામાં વોન્ટેડ આરોપી મુસ્તકીમ રફીક ભટુકને RPFની ટીમે ઝડપી પાડી રેલવે GRP પોલીસને સોંપ્યો છે. RPF ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે વોન્ટેડ આરોપી મુસ્તકીમ રફીક ભટુક ગોધરા રેલવે સ્ટેશન પાસે આવેલી મોતીમહેલ હોટલ નજીક હાજર છે. આ માહિતીના આધારે સુરક્ષા દળોએ તાત્કાલિક વોચ ગોઠવીને મોતીમહેલ હોટલ નજીકથી આરોપીને દબોચી લીધો હતો.
RPFની છ જવાનોની ટીમે પાર પાડ્યું સફળ ઓપરેશન આ સમગ્ર કાર્યવાહીમાં RPFની ટીમમાં સબ-ઇન્સ્પેક્ટર અજિતસિંહ યાદવ, સબ-ઇન્સ્પેક્ટર ભૂરસિંહ મીના, હેડ કોન્સ્ટેબલ રોહતાશ, કોન્સ્ટેબલ નવીન દલાલ અને કોન્સ્ટેબલ દીપક સહિત કુલ 6 જવાનો જોડાયા હતા. આરોપી મુસ્તકીમ રફીક ભટુકને ઝડપી લીધા બાદ RPF દ્વારા જરૂરી કાગળની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી અને ત્યારબાદ આગળની કાયદેસરની તપાસ માટે તેને રેલવે GRP પોલીસને સોંપવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજસીટોકના આ કેસમાં કુલ 12 આરોપીઓની સંડોવણી સામે આવી હતી. જેમાંથી આજદિન સુધીમાં કુલ 7 આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. હવે આ ગુનામાં સંડોવાયેલા બાકીના 5 ફરાર આરોપીઓને વહેલી તકે પકડી પાડવા માટે રેલવે પોલીસ દ્વારા વિવિધ દિશામાં સઘન તપાસ અને શોધખોળ હાથ ધરવામાં આવી છે.

