સાયબર ગઠિયાઓએ હવે વીજળીનું બિલ અપડેટ કરવાના નામે લોકોને છેતરવાનું શરૂ કર્યું છે. અમદાવાદમાં રહેતા એક નિવૃત્ત કર્મચારીને વીજળીનું બિલ અપડેટ નહીં હોવાથી કનેક્શન કાપી નાખવામાં આવશે તેવી ધમકી આપીને સાયબર ગઠિયાઓએ વોટ્સએપ પર APK ફાઇલ મોકલી હતી. આ ફાઇલ ડાઉનલોડ કરાવ્યા બાદ તેમના બેંક ખાતામાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન મારફતે કુલ ₹5,84,000 ઉપાડી લેવામાં આવ્યા હતા. આ અંગે સાયબર ક્રાઇમમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
વીજ કનેક્શન કાપવાની ધમકી આપી APK ફાઈલ મોકલી વસ્ત્રાલમાં રહેતા 76 વર્ષીય વૃદ્ધને 20 દિવસ પહેલા વોટ્સએપ પર અંગ્રેજીમાં મેસેજ મળ્યો હતો. જેમાં વીજળીનું બિલ અપડેટ નહીં હોવાથી રાત્રે 9.30 વાગ્યે વીજ કનેક્શન કાપી નાખવામાં આવશે અને તાત્કાલિક બિલિંગ ઓફિસરનો સંપર્ક કરવા જણાવાયું હતું. ભોગ બનનારે મેસેજમાં આપેલા નંબર પર સંપર્ક કરતા સાયબર ગઠિયાએ બિલિંગ ઓફિસર ઓળખ આપી વોટ્સએપ પર ‘Electricity Bill Update Last Month Update(4).apk’ નામની ફાઇલ મોકલીને તેને ડાઉનલોડ કરવા જણાવ્યું હતું.
કાર્ડની વિગતો મેળવી રૂ. 5.84 લાખ ટ્રાન્સફર કર્યા ભોગ બનનાર વૃદ્ધે ફાઇલ ડાઉનલોડ કરી વિગતો ભર્યા બાદ ઠગોએ બેંકના ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડની વિગતો મેળવી લીધી હતી. ત્યારબાદ ઠગોએ ઇન્ડિયન ઓવરસીઝ બેંકના ખાતામાંથી તબક્કાવાર ટ્રાન્ઝેક્શન કરી કુલ ₹5,84,000 અન્ય અલગ અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી લીધા હતા. આ ઉપરાંત ક્રેડિટ કાર્ડ મારફતે પણ વ્યવહારો કરવામાં આવ્યા હોવાનું ફરિયાદમાં દર્શાવાયું છે.

