દિવાળી પહેલાં સુરત જિલ્લા પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કામરેજના છેડછા ગામની એક ફેક્ટરીમાં દરોડો પાડ્યો. અહીંથી શંકાસ્પદ મીઠાઈ અને સામગ્રી સહિત ₹36,69,250નો મુદ્દામાલ જપ્ત કર્યો. તપાસ દરમિયાન ગુલકંદ બરફી, સફેદ બરફી અને અંજિરી બરફી સહિતની મીઠાઈ મળી આવી. ફૂડ સેફ્ટી વિભાગે મીઠાઈના નમૂના લઈને લેબોરેટરીમાં મોકલ્યા છે.

જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 2,826 કિલો અલગ-અલગ ફ્લેવરની શંકાસ્પદ મીઠાઈ, પામ ઓઈલના પૅક કરેલા 74 ડબ્બા, 10 લીટર છૂટું પામ ઓઈલ, ખાંડની 200 બેગ, બરફીનો તૈયાર માવો અને મીઠાઈનાં પેકિંગ બોક્સનો સમાવેશ થાય છે.
સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર ડી.બી. મકવાણાએ જણાવ્યું કે સવારે શંકાસ્પદ બરફી વેચાતી હોવાની ફરિયાદ મળ્યા બાદ કોસમાડા વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં તપાસ કરાઈ હતી. ત્યાં આશરે 1,800 કિલો જથ્થો શંકાસ્પદ જણાયો હતો.

