રાજ્યમાં અશાંતધારા હેઠળ નિર્દિષ્ટ વિસ્તારોમાં મિલકતોના નામફેરમાં ચાલતી મનસ્વી કાર્યવાહી અટકાવવા અને સમગ્ર ગુજરાતમાં એકસમાન માર્ગદર્શિકા જાહેર કરવાની માગ ઉગ્ર બની છે. સુરત મનપાના પૂર્વ કોર્પોરેટર અને ડ્રેનેજ સમિતિના પૂર્વ ચેરમેન કેયુર ચપટવાળાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને એક પત્ર પાઠવીને રજૂઆત કરી છે. પત્રમાં માગ કરવામાં આવી છે કે, રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ માટે તાકીદે એક સમાન કડક પરિપત્ર જાહેર કરવામાં આવે, જેથી અશાંતધારા હેઠળ કલેક્ટરની મંજૂરી વગર વેરા બિલમાં નામફેરની પ્રક્રિયા પર સંપૂર્ણ રોક લગાવી શકાય.
કાયદાની છટકબારી, માત્ર નોટરી કરારના આધારે નામફેરનો ખેલ પૂર્વ કોર્પોરેટરે પત્રમાં ધ્યાન દોર્યું છે કે, અશાંતધારા હેઠળ કોઈપણ મિલકતની તબદીલી માટે કલેક્ટરની પૂર્વ મંજૂરી લેવી કાયદાકીય રીતે ફરજિયાત છે. આમ છતાં, કેટલાક અસામાજિક તત્વો કાયદાની છટકબારી શોધીને કલેક્ટરની મંજૂરી કે પાકા વેચાણ દસ્તાવેજ કર્યા વિના જ માત્ર કબજા સહિતના ભાડા કરાર કે લિવ એન્ડ લાયસન્સ કરારો નોટરી રૂબરૂ કરાવી લે છે. ત્યારબાદ આ કાચા નોટરાઇઝ્ડ દસ્તાવેજોના આધારે મનપાના આકારણી ખાતામાં અરજી કરી મિલકત વેરા બિલમાં પોતાનું નામ ચઢાવી લેવાનો મોટો ખેલ રાજ્યના વિવિધ શહેરોમાં ચાલી રહ્યો છે.
સામાજિક અને રાજકીય ધ્રુવીકરણનું ગંભીર જોખમ પત્રમાં સૌથી મહત્વનો મુદ્દો ઉઠાવતાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મનપાના રેકર્ડ પર વેરા બિલમાં નામ બદલાઈ ગયા પછી આ સરકારી પુરાવાના આધારે ઓળખપત્રો, પાન કાર્ડ અને વોટિંગ કાર્ડ મેળવી લેવામાં આવે છે. આ દસ્તાવેજોના જોરે સંવેદનશીલ વિસ્તારોમાં વસ્તીકીય સંતુલન ખોરવીને ધાર્મિક, સામાજિક અને રાજકીય ધ્રુવીકરણ ઊભું કરવામાં આવે છે તથા મૂળ રહેવાસીઓ પર અતિક્રમણ વધે છે. સામાજિક સમરસતા અને શાંતિ જાળવી રાખવા માટે માત્ર નોટરી લખાણોના આધારે થતાં નામફેરને અટકાવવા અત્યંત જરૂરી છે.

