Gujarat

આખી રાત પિતાએ ફોન ન ઉપાડ્યો, સવારે દીકરાને મૃતદેહ મળ્યો

અમદાવાદ શહેરમાં બેફામ વાહનહંકારતા ચાલકોનો કહેર યથાવત છે. દાણીલીમડાથી નારોલ તરફ જતા રોડ પર BRTS વર્કશોપ સ્ટેન્ડ પાસે આવેલા કોરિડોરમાં રોડ ક્રોસ કરી રહેલા 55 વર્ષીય આધેડને એક અજાણ્યા વાહનચાલકે જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા આધેડનું સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. ઘટના બાદ ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ‘કે’ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને શોધખોળ હાથ ધરી છે.

રાત્રે પુત્રને મળીને રૂમ પર જવા નીકળ્યા હતા પ્રાપ્ત વિગતો અનુસાર 55 વર્ષીય જમલુદ્દીન ઇદ્રીશી પીપળજ સ્થિત કુમાર કોટન કંપનીમાં નોકરી કરતા હતા અને દાણીલીમડા-નારોલ રોડ પર આવેલી રૂબી હોટલ પાછળ રહેતા હતા. તેમનો પુત્ર ખુશનુર ઇદ્રીશી દાણીલીમડામાં જ શમશુદ્દીનભાઈના કારખાનામાં કાપડનું કામ કરે છે. ગત 30 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9 વાગ્યાની આસપાસ જમલુદ્દીન તેમના પુત્ર ખુશનુરને મળવા માટે આવ્યા હતા. પુત્ર સાથે મુલાકાત કર્યા બાદ તેઓ પોતાની રૂમ પર જવા માટે નીકળ્યા હતા.

ફોન રિસીવ ન થતાં પુત્ર શોધખોળ માટે નીકળ્યો ને અકસ્માતની જાણ થઈ બીજા દિવસે સવારે પુત્ર ખુશનુરે પિતાને વારંવાર ફોન કર્યા હતા, પરંતુ સામેથી કોઈ કોલ રિસીવ ન થતાં તેને ચિંતા સતાવી હતી. પિતાની ભાળ મેળવવા માટે તે રૂમ પર અને આસપાસના વિસ્તારમાં શોધખોળ માટે નીકળ્યો હતો. આ દરમિયાન રૂબી હોટલ પાસે પૂછપરછ કરતા તેને જાણવા મળ્યું હતું કે, ગત રાત્રે બીઆરટીએસ વર્કશોપ સ્ટેન્ડ પાસે આવેલી રૂબી પુલાવ હોટલ સામે કોરિડોરમાંથી રોડ ક્રોસ કરતી વખતે એક અજાણ્યા વાહને કોઈ વ્યક્તિને જોરદાર ટક્કર મારી હતી.