Gujarat

એન્જિનિયરિંગ કોલેજ રોડ પર આવેલી હોટલમાં બની ઘટના

કેટરિંગમાં કામ અપાવવાની લાલચ આપીને રાજકોટ જિલ્લાના જેતપુરની કિશોરીને ભુજ બોલાવ્યા બાદ હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ સામે આવતા ભુજ શહેરમાં ચકચાર મચી છે. ઘટનાને પગલે ભુજ એ ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, કિશોરીને કેટરિંગના કામની તક આપવાના બહાને ભુજ બોલાવવામાં આવી હતી. ત્યારબાદ તેને કારમાં બેસાડી ભુજના એન્જિનિયરિંગ કોલેજ રોડ તરફ લઈ જવામાં આવી હતી. આ દરમિયાન શક્તિ હોટલમાં લઈ જઈ રૂમમાં દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં કિશોરી દ્વારા ભુજ એ ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ફરિયાદ મળ્યા બાદ પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ દ્વારા ફરિયાદમાં જણાવાયેલા સ્થળો સહિત ઘટનાક્રમ સાથે સંકળાયેલી વિગતો એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ભુજના અનિલગર વિશ્રામગર ગોસ્વામી સામે કાર્યવાહી કરી તેની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાથમિક ફરિયાદમાં કિશોરીને રોજગારની લાલચ આપી ભુજ બોલાવવાથી લઈને હોટલ સુધી લઈ જવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. જોકે, સમગ્ર ઘટનાની હકીકત પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ વધુ સ્પષ્ટ થશે. પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે અને ઘટનાને લગતા પુરાવા તથા અન્ય જરૂરી વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.