ગૂજરાત વિદ્યાપીઠના ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી છે. રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ગૂજરાત વિદ્યાપીઠ ખાતે વિશેષ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણસિંહ અને ખાદી, કુટિર તથા ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ અને ઉપસભાપતિના હસ્તે પુનઃનિર્મિત ‘અસ્મિતા મંદિર’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ રાજ્યપાલના હસ્તે ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ દ્વારા આયોજિત ખાદી મહોત્સવનો શુભારંભ કરાયો હતો.
અસ્મિતા મંદિરને પુનઃ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું ગાંધી જયંતી નિમિત્તે વિદ્યાપીઠ ખાતે ખાદી મહોત્સવ ઉપરાંત ચિત્ર પ્રદર્શન, યુવા ભારતી યુવક મહોત્સવ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પુનઃનિર્મિત ‘અસ્મિતા મંદિર’ આદિવાસી સંસ્કૃતિના સંવર્ધન અને તેના દર્શન માટે મહત્વનું છે.
વિવિધ ડાયોરામાના સંવર્ધન અને નવીનીકરણનું કાર્ય પૂર્ણ થયા બાદ અસ્મિતા મંદિરને પુનઃ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જેમાં ભારતીય સંસ્કૃતિ સંગ્રહાલય પણ ગોઠવવામાં આવ્યું છે, જેના માધ્યમથી ભારતીય સંસ્કૃતિ અને તેની વિવિધ પરંપરાઓને લોકો સમક્ષ રજૂ કરવામાં આવશે.
ખાદી મહોત્સવ ઉજવવામાં આવ્યો ગૂજરાત વિદ્યાપીઠ પરિસરમાં આજથી આગામી 7 ઓક્ટોબર સુધી ખાદી મહોત્સવ યોજવાનો છે. જેમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 36 જેટલા સ્ટોલ બનાવવામાં આવ્યા છે. ગાંધીના ખાદી, સ્વદેશી અને સ્વાવલંબનના વિચારોને જનમાનસ સુધી પહોંચાડવા ખાદી મહોત્સવ ઉજવવામાં આવ્યો છે. જે દરમિયાન રાજ્યપાલના હસ્તે ગ્રામજીવન યાત્રાના પ્રતિકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રો. ડાયાભાઈ પટેલને એવોર્ડ આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.

