Gujarat

વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી 49.78 લાખ પડાવ્યા

વાડજના 26 વર્ષીય યુવકને ડિજિટલ એરેસ્ટ કરી લાખો રૂપિયા પડાવ્યાની ઘટના સામે આવી છે. ન્યૂડ વીડિયો વાઇરલ કરવાની ધમકી બાદ ગઠિયાઓએ દિલ્હી સાયબર ક્રાઇમ બ્રાન્ચના અધિકારી અને યુટ્યૂબના અધિકારી તરીકે ઓળખ આપી યુવકને પોલીસ કાર્યવાહી, ધરપકડ અને કારકિર્દી બરબાદ કરવાની ધમકી આપી હતી.

આ રીતે ડરાવી-ધમકાવી યુવક પાસેથી અલગ-અલગ સમયે કુલ રૂ.49.78 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ મામલે યુવકે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

અજાણ્યા નંબરથી આવેલા વીડિયો કોલમાં ન્યુડ યુવતી હતી ખાનગી કંપનીમાં નોકરી કરતો યુવક 3 સપ્ટેમ્બર, 2026ના રોજ રાત્રે પોતાના ઘરે મોબાઇલ ચેક કરી રહ્યો હતો. તે દરમિયાન તેના વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ આવ્યો હતો. કોલ રિસીવ કરતાં સામે એક યુવતી ન્યૂડ અવસ્થામાં જોવા મળી હતી. આ જોઈને યુવકે તરત જ કોલ કટ કરી દીધો હતો અને નંબર બ્લોક કરી દીધો હતો.

બીજા નંબરથી ફરી કોલ કરી ધમકી આપી થોડા સમય બાદ ફરીથી વોટ્સએપ કોલ આવ્યો હતો. આ વખતે સામેની વ્યક્તિએ યુવકને કહ્યું કે, તેનો ન્યૂડ વીડિયો રેકોર્ડ થઈ ગયો છે અને જો વીડિયો વાઇરલ થતો અટકાવવો હોય તો આપવામાં આવેલા બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવા પડશે. યુવકે ફરીથી ફોન કટ કરી નંબર બ્લોક કરી દીધો હતો. આ દરમિયાન સામેથી એક વીડિયો પણ મોકલવામાં આવ્યો હતો, જેને યુવકે ડિલિટ કરી દીધો હતો.