Gujarat

ઉગેડી-દેશલપર માર્ગ પર ઝાડી-ઝાંખરા હટાવવાનું કામ શરૂ

ઉગેડી–દેશલપર માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. માર્ગની બંને બાજુએ ઊગી નીકળેલાં ઝાડી-ઝાંખરાંને કારણે અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરી રહેલા લોકોને હવે આ સમસ્યામાંથી મુક્તિ મળવાની આશા જાગી છે. ઉગેડી ગામના સરપંચ કરણભાઈ રબારી દ્વારા આ સમસ્યાના ઉકેલ માટે કરવામાં આવેલી રજૂઆત અને સતત પ્રયાસો બાદ તંત્ર દ્વારા માર્ગની સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે.

દેશલપર (ગુંતલી)થી ઉગેડી તરફ જતા આ માર્ગ પર લાંબા સમયથી રસ્તાની બંને બાજુએ વનસ્પતિ અને ઝાડી-ઝાંખરાં વધી ગયાં હતાં. તેના કારણે રસ્તાની આસપાસનો વિસ્તાર ઢંકાઈ જતાં વાહનચાલકોને માર્ગનો અંદાજ મેળવવામાં મુશ્કેલી પડતી હતી. ખાસ કરીને વળાંકો પર સામેથી આવતાં વાહનોને જોવામાં અડચણ ઊભી થતી હોવાથી અકસ્માતનો ભય રહેતો હતો. આ સ્થિતિમાં વાહન ચલાવતી વખતે વિશેષ સાવચેતી રાખવી પડતી હતી.