Gujarat

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થતા પાટનગરમાં રાજકારણ ગરમાયું!!

કોંગ્રેસે ‘ગેરંટી કાર્ડ‘ સ્વરૂપે વચનો રજૂ કરીને નાગરિકોને ભ્રષ્ટાચારમુક્ત વહીવટ અને પાયાની સુવિધાઓ આપવાની ખાતરી આપી

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે એટલે ફરીવાર રાજકારણ ગરમાયું છે કારણ કે કોંગ્રેસ દ્વારા મતદારોને આકર્ષવા માટે પરંપરાગત ઢંઢેરાને બદલે ‘ગેરંટી કાર્ડ‘ સ્વરૂપે વચનો રજૂ કરીને નાગરિકોને ભ્રષ્ટાચારમુક્ત વહીવટ અને પાયાની સુવિધાઓ આપવાની ખાતરી આપી છે.

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસનું ગેરંટી કાર્ડ

રાજ્યના પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ પક્ષે સંપૂર્ણ રણનીતિ ઘડી કાઢી છે. પક્ષ દ્વારા એક વિશેષ પત્રકાર પરિષદ યોજીને ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે આ વખતે ‘બદલાવની લહેર, વિકાસની લહેર, કોંગ્રેસ સાથે ભ્રષ્ટાચાર મુક્ત ગાંધીનગરની નવી લહેર’ સ્લોગન સાથે ચૂંટણી પ્રચારનું રણશિંગું ફૂંક્યું છે.

પક્ષના પ્રદેશ અને સ્થાનિક નેતાઓએ સ્પષ્ટ કર્યું કે આ માત્ર કાગળ પરના વાયદા નથી, પરંતુ જનતાને આપવામાં આવેલી લેખિત ગેરંટી છે. પાટનગરના નાગરિકો વર્ષોથી જે સુવિધાઓ માટે ઝંખી રહ્યા છે તે તમામ જરૂરિયાતોને પ્રાથમિકતા આપીને આ ગેરંટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યું છે.

વેરામાં મોટી રાહત અને પારદર્શક વહીવટ

કોંગ્રેસ પક્ષે મધ્યમવર્ગ અને નાના વેપારીઓને સીધો ફાયદો થાય તેવી લોભામણી અને રાહત આપતી જાેગવાઈઓ જાહેર કરી છે. વધતી જતી મોંઘવારી વચ્ચે સ્થાનિક કરવેરામાં ઘટાડો કરવાની જાહેરાત સૌથી વધુ ચર્ચામાં રહી છે.

ગેરંટી કાર્ડની મહત્વપૂર્ણ મુખ્ય જાહેરાતો:

ટેક્સમાં મોટો ઘટાડો: રહેણાંક મકાનોના ઘરવેરામાં ૨૫ ટકા અને વાણિજ્યિક એકમોના વેરામાં ૧૦ ટકા સુધીની સીધી રાહત અપાશે.

પાયાની સુવિધાઓ: પાટનગરના સેક્ટરો તેમજ સમાવિષ્ટ ગામોમાં નિયમિત અને શુદ્ધ પીવાનું પાણી તેમજ સુવ્યવસ્થિત ગટર વ્યવસ્થા ઉપલબ્ધ કરાશે.

આરોગ્ય અને સફાઈ: વોર્ડ સ્તરે આરોગ્ય કેન્દ્રોનું આધુનિકીકરણ અને શહેરની સફાઈ વ્યવસ્થામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ.

જાહેર પરિવહન: વિદ્યાર્થીઓ, મહિલાઓ અને નોકરિયાતો માટે સ્થાનિક પરિવહન સેવાને વધુ સક્ષમ અને સસ્તી બનાવવામાં આવશે.

પ્રજાના ટેક્સના પૈસાનો સદુપયોગ અને કોન્ટ્રાક્ટ પ્રથા પર પ્રતિબંધનું મોટું પગલું

મનપામાં ચાલતી કોન્ટ્રાક્ટ પ્રથા અને સગાવાદ સામે કોંગ્રેસે સૌથી મોટો રાજકીય દાવ ખેલ્યો છે. પક્ષે ગેરંટી કાર્ડમાં ખાતરી આપી છે કે સત્તા પર આવ્યા બાદ કોંગ્રેસનો કોઈપણ ચૂંટાયેલો કોર્પોરેટર કે કાઉન્સિલર મહાનગરપાલિકાનો કોઈપણ સીધો કે આડકતરો કોન્ટ્રાક્ટ રાખી શકશે નહીં.

તેમણે જણાવ્યું કે ભાઈ-ભત્રીજાવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે. આ ઉપરાંત, જનતાના પરસેવાના કમાણીના ટેક્સના નાણાં કોઈપણ પ્રકારના ભપકાદાર સરકારી કાર્યક્રમો, ઉત્સવો કે રાજકીય પક્ષના પ્રચાર-પ્રસાર પાછળ વેડફવામાં નહીં આવે. તમામ ભંડોળનો ઉપયોગ માત્ર અને માત્ર શહેરના મૂળભૂત વિકાસકામો પાછળ જ કરવામાં આવશે.

લારી-ગલ્લા ધારકોને લાયસન્સ, આરોગ્ય અને પરિવહનને પ્રાથમિકતા આપવાનો સંકલ્પ

ગાંધીનગરમાં રોજગાર મેળવતા નાના લારી-ગલ્લાવાળા અને પાથરણાંવાળા વેપારીઓની રોજિંદી હેરાનગતિ દૂર કરવા માટે કોંગ્રેસે નવી નીતિ બનાવવાનું વચન આપ્યું છે. સત્તા પર આવતાં જ તમામ નાના વેપારીઓને કાયદેસર સર્વે કરીને અધિકૃત લાયસન્સ આપવામાં આવશે, જેથી તેઓ વહીવટી તંત્રના ડર વિના સન્માનપૂર્વક રોજીરોટી કમાઈ શકે.

આગામી દિવસોમાં ગાંધીનગરના તમામ સેક્ટરો, સોસાયટીઓ અને ગામડાઓમાં ઘરે-ઘરે જઈને આ ગેરંટી કાર્ડ પહોંચાડવા માટે કોંગ્રેસ કાર્યકરોની વિશેષ ટીમો મેદાને ઉતારવામાં આવશે. આ ચૂંટણી સ્થાનિક રાજકારણની દિશા નક્કી કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવાની છે.