જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સંચાલિત 33 કોલેજોમાં તાજેતરમાં લેવાયેલી BAMSના ત્રીજા વર્ષની ””શલ્ય તંત્ર-1”” પરીક્ષાને લગત પ્રશ્નો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર રાજ્યના શૈક્ષણિક જગતમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
20 જુલાઈના રોજ લેવાયેલી આ પરીક્ષા પહેલાં જ સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર 12 મુખ્ય મુદ્દા વાયરલ થયા હતા, જેમાંથી 11 પ્રશ્નો મૂળ પરીક્ષાના પ્રશ્નપત્રમાં બેઠેબેઠા પૂછાયા હતા. 12 માંથી 11 પ્રશ્નો સમાન હોવાના કારણે સમગ્ર પરીક્ષા પદ્ધતિ સામે અનેક ગંભીર સવાલો ઊભા થયા હતા. આ ગંભીર ગેરરીતિ અને લીક વિવાદ અંગે તત્કાલીન ઈન્ચાર્જ કુલપતિ દ્વારા તાત્કાલિક અસરથી એક ખાસ તપાસ સમિતિની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
તપાસ સમિતિએ આશરે 20 દિવસના સમયગાળા દરમિયાન રાજ્યની બે જુદી જુદી આયુર્વેદ કોલેજોની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સમિતિના સભ્યો દ્વારા સંબંધિત પ્રોફેસરો, વિભાગીય વડાઓ તથા વિદ્યાર્થીઓના ઊંડાણપૂર્વકના નિવેદનો નોંધવામાં આવ્યા હતા.

