જામનગરમાં નાગરિકોને સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભો એક જ જગ્યાએ સરળતાથી મળે તે માટે આજથી ‘સેવાસેતુ’ કાર્યક્રમ શરૂ થયો છે. શહેરમાં જુદા જુદા વોર્ડ મુજબ બે મુખ્ય સ્થળોએ આ કેમ્પનું આયોજન કરાયું છે.
વોર્ડ નંબર 5 થી 8ના નાગરિકો માટે મેહુલ સિનેમા સામે આવેલા સિવિક સેન્ટર ખાતે કેમ્પ યોજાયો છે. જ્યારે વોર્ડ નંબર 13 થી 16 માટે લાલપુર બાયપાસ માર્ગ પર આવેલા સરદાર પટેલ અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જામનગરના મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરેન મોનાણી, શાસક પક્ષના નેતા અમર મોદી અને નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ સેવાસેતુ કાર્યક્રમ હેઠળ નાગરિકો માટે ઘણી સેવાઓ ઉપલબ્ધ છે. તેમાં જન્મ-મરણના દાખલા, લગ્ન નોંધણી, આધારકાર્ડને લગતી કામગીરી, મામલતદાર કચેરી અને પુરવઠા વિભાગને લગતી સેવાઓનો સમાવેશ થાય છે. આરોગ્ય અને સહાય યોજનાઓમાં આયુષ્માન ભારત યોજના, PMJAY, આયુષ્માન વયવંદના યોજના, નમોશ્રી યોજના તેમજ દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકોને લગતા પ્રમાણપત્રો મળશે.

મહિલા અને બાળ વિકાસ હેઠળ વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા સહાય યોજના, સખી વન સ્ટોપ સેન્ટરનું માર્ગદર્શન અને બાળકો માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગેની નોંધણી કરાવી શકાશે. મહાનગરપાલિકા અને નાણાકીય સેવાઓમાં પ્રોપર્ટી ટેક્સ, વ્યવસાય વેરો (પ્રોફેશનલ ટેક્સ), શોપ લાયસન્સ, જન-ધન યોજના, પી.એમ. સ્વનિધિ યોજના અને અન્ય લોન સહાયનો લાભ મળશે. આ ઉપરાંત પી.જી.વી.સી.એલ. (વીજળી), એસ.ટી. મુસાફરી પાસ, સમાજ કલ્યાણ વિભાગ, પોસ્ટ વિભાગ અને કાનૂની માર્ગદર્શનને લગતી સેવાઓ પણ ઉપલબ્ધ છે. સ્થાનિક રહીશોને આ કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા મહાનુભાવોએ અપીલ કરી છે.

