જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ આરોગ્ય ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી આ ઝુંબેશનો મુખ્ય હેતુ ચાંદીપુર વાયરસ અને અન્ય ચેપી રોગોથી બચાવ કરવાનો હતો. ગામમાં દવાનો છંટકાવ કરીને લોકોને સ્વચ્છતા જાળવવા અને આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવા અંગે માર્ગદર્શન અપાયું હતું, જેથી રોગચાળો ફેલાતો અટકાવી શકાય.
ગ્રામજનોને ઘરની આસપાસ પાણી ભરાયેલા ખુલ્લા પાત્રો ન રાખવા, બિનજરૂરી વાસણો, ટાયર અને અન્ય પાણી ભરાઈ શકે તેવી વસ્તુઓનો યોગ્ય નિકાલ કરવા અપીલ કરવામાં આવી હતી.

વધુમાં, ઝુંબેશ દરમિયાન ટીબીના દર્દીની મુલાકાત લઈને તેમને નિયમિત દવા લેવાની સલાહ આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા ટીબીના શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોને વહેલું નિદાન અને સમયસર સારવાર મળે તે માટે પણ જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી આ સમગ્ર અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય જોગવડ ગામને ચેપી રોગોથી સુરક્ષિત રાખવાનો અને લોકોમાં આરોગ્ય પ્રત્યેની જાગૃતિ વધારવાનો હતો.

