કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ જામનગરમાં શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર અને ગ્રામ વિકાસ વિભાગોની સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે જિલ્લામાં ચાલતી કલ્યાણકારી યોજનાઓ, શ્રમિકોના હિતાર્થે હાથ ધરાયેલા કાર્યો અને ગ્રામીણ વિકાસની કામગીરીની વિગતવાર સમીક્ષા કરી.
આ બેઠકમાં મંત્રીએ અધિકારીઓને તાકીદ કરી હતી કે, દરેક જરૂરિયાતમંદ લાભાર્થીને સરકારી યોજનાઓના લાભો કોઈપણ વિલંબ વગર સમયમર્યાદામાં મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવે. સરકારી યોજનાઓનો વાસ્તવિક હેતુ છેવાડાના માનવી સુધી લાભ પહોંચાડવાનો છે.

બેઠક દરમિયાન, મંત્રીએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સંચાલિત પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), વીબી-જી રામ જી યોજના, કેશ ક્રેડિટ લોન, ‘લખપતિ દીદી’ પહેલ, ગ્રામ હાટ, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અને સ્વચ્છ ભારત મિશન સહિતની યોજનાઓની પ્રગતિનો ચિતાર મેળવ્યો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સુશ્રી શારદા કાથડે આ અંગે વિસ્તૃત વિગતો રજૂ કરી હતી.
રોજગાર ક્ષેત્રની કામગીરીની સમીક્ષા કરતા, જિલ્લા રોજગાર અધિકારી સરોજબેન સાંડપાએ ઉમેદવારોની નામ નોંધણી, કારકિર્દી માર્ગદર્શન, ભરતી મેળાના આયોજન, સ્વ-રોજગારી સેમિનાર, વિદેશ રોજગાર માહિતી કેન્દ્ર અને અનુબંધમ પોર્ટલ પર નોંધાયેલા એકમોની માહિતી આપી. મંત્રીએ આ અંગે જરૂરી માર્ગદર્શક સૂચનો કર્યા.

આ ઉપરાંત, મદદનીશ શ્રમ આયુક્તની કચેરીની કામગીરી અંતર્ગત શ્રમિકોને કરાયેલા ચૂકવણાં, બોનસ, ગ્રેચ્યુઈટી અને અસંગઠિત શ્રમયોગીઓ માટેની યોજનાઓની સમીક્ષા થઈ. નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય દ્વારા જિલ્લામાં નોંધાયેલા કારખાનાઓ, જોખમી એકમો, ઔદ્યોગિક અકસ્માત નિવારણના પગલાં અને બાંધકામ શ્રમયોગી અધિનિયમ હેઠળની કામગીરીની વિગતો રજૂ કરાઈ.

