રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ 16 માર્ચથી 30 એપ્રિલ, 2026 દરમિયાન શહેરના મુખ્ય વિસ્તારોમાં સઘન ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય જાહેર માર્ગોને ખુલ્લા કરી ટ્રાફિકની સમસ્યા હળવી કરવાનો હતો.
જપ્ત કરાયેલી વસ્તુઓ અને વસૂલાતની વિગત જાહેર માર્ગો પર અડચણરૂપ 180 રેકડી-કેબીન, 21,776 બોર્ડ-બેનરો અને 2,069 પરચુરણ ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. અંદાજે 10,991 કિલો શાકભાજી અને ફળોનો જથ્થો પણ કબજે લેવાયો છે. વિવિધ નિયમ ભંગ બદલ મનપાએ કુલ ₹22,11,576 ની આવક મેળવી છે. જેમાં મંડપ-છાજલીના ₹9.34 લાખ અને અન્ય ચાર્જ પેટે ₹12.76 લાખનો સમાવેશ થાય છે.

કયા વિસ્તારોમાં કામગીરી થઈ? શહેરના 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, રૈયા રોડ, અને ઢેબર રોડ જેવા મુખ્ય માર્ગો ઉપરાંત ધરાર માર્કેટ, સંતકબીર રોડ અને પેડક રોડ જેવા ગીચ વિસ્તારોમાં સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. મવડી મેઈન રોડ અને રેસકોર્સ રિંગ રોડ પરથી આડેધડ લાગેલા પતાકા-ઝંડીઓ દૂર કરી શહેરને સ્વચ્છ બનાવવાનો પ્રયાસ કરાયો હતો.

