માં આશાપુરા ચેરીટેબલ ટ્રસ્ટે દિવ્યાંગ બાળકો માટે રાસ-ગરબા મહોત્સવ યોજ્યો. સતત 10મા વર્ષે યોજાયેલો આ કાર્યક્રમ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સામે આવેલી દયાશંકર બ્રહ્મપુરીની વાડીમાં યોજાયો હતો.દિવ્યાંગ બાળકોની કળા અને પ્રતિભાને પ્રોત્સાહન આપવા તથા તેમને રાસ-ગરબા રજૂ કરવાની તક આપવા આ કાર્યક્રમ યોજાયો હતો. સમાજમાં દિવ્યાંગો પ્રત્યે સકારાત્મક અભિગમ અને સમાનતાની ભાવના કેળવવાનો પણ તેનો હેતુ હતો.

રાસોત્સવમાં વિવિધ ઉંમરના મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો. બાળકોએ ગરબાના તાલે રાસ રમ્યો હતો. ઉપસ્થિત લોકોએ તેમની કળા અને ઉત્સાહને બિરદાવ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ દિવ્યાંગો માટે ભોજનની વ્યવસ્થા કરાઈ હતી.ટ્રસ્ટના પ્રમુખ આશિષભાઈ ભટ્ટીના માર્ગદર્શન હેઠળ ટીમ છેલ્લા 10 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. તેમાં રક્તદાન શિબિર, સર્વરોગ નિદાન કેમ્પ અને જરૂરિયાતમંદ દર્દીઓને તબીબી સુવિધા આપવાનો સમાવેશ થાય છે.

