ગુજરાત હાઇકોર્ટે એક અત્યંત સંવેદનશીલ અને ગંભીર કેસમાં માનવીય અભિગમ દાખવીને આશરે 12 વર્ષ અને 7 મહિનાની સામૂહિક દુષ્કર્મ પીડિતાને 25 અઠવાડિયા અને 3 દિવસના ગર્ભના ગર્ભપાતની મંજૂરી આપી છે. સગીર પીડિતાએ પોતાની માતા મારફતે એડવોકેટ દીપમાલા દેસાઈ દ્વારા હાઇકોર્ટ સમક્ષ દાદ માંગી હતી. જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે, પીડિતા ગેંગરેપનો ભોગ બનેલી છે અને તે જામનગરની હોસ્પિટલ ખાતેથી અનિચ્છનીય ગર્ભાવસ્થાનો અંત લાવવા માંગે છે. આ માટે મેડિકલ બોર્ડની રચના કરવા અને ફોરેન્સિક તપાસ માટે ભ્રૂણના સેમ્પલ FSLમાં મોકલવાની દાદ માંગવામાં આવી હતી.
વિલંબ કર્યા વિના ગર્ભપાત કરવો હિતાવહ કોર્ટના આદેશ અનુસાર તબીબોના વિશેષ મેડિકલ બોર્ડ દ્વારા પીડિતાનું શારીરિક અને માનસિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. બોર્ડે પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે, સગીરાને 25 અઠવાડિયા અને 1 દિવસનો ગર્ભ છે. પીડિતા ગર્ભપાત માટે શારીરિક રીતે ફિટ છે, જોકે 24 અઠવાડિયાથી વધુ સમયની ગર્ભાવસ્થા હોવાથી રક્તસ્રાવ, ચેપ કે ભવિષ્યમાં વંધ્યત્વ જેવી કેટલીક તબીબી જટિલતાઓનું જોખમ રહેલું છે. પીડિતા હાલ કોઈ ગંભીર માનસિક રોગથી પીડાતી નથી. મેડિકલ બોર્ડે સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો કે શારીરિક અને માનસિક જોખમો ઘટાડવા માટે કોઈપણ વિલંબ કર્યા વિના પ્રક્રિયા હાથ ધરવી જરૂરી છે.

