મેંદરડા : પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
ઈદના તહેવાર,ટ્રાફિક અને સુરક્ષા મુદ્દે વ્યાપક ચર્ચા કરવા આવેલ
હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને પોલીસ પ્રશાસન વચ્ચે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મહત્વપૂર્ણ સંવાદ
આગામી સમયમાં આવી રહેલા ઈદના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે એક મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક મેંદરડા પોલીસ સ્ટેશનના પી. આઈ. વત્સલ સાવજ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં વિસ્તારમાં અમન-શાંતિ અને ભાઈચારા ની ભાવના અકબંધ રહે તે અંગે વિસ્તૃત ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી.
તહેવારોમાં ભાઈચારો અને કાયદો-વ્યવસ્થા પર ભાર
બેઠક દરમિયાન પી.આઈ. વત્સલ સાવજે જણાવ્યું હતું કે, તમામ તહેવારો સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે પોલીસ પ્રશાસન કટિબદ્ધ છે. આગામી ઈદનો તહેવાર પણ શાંતિ અને પરસ્પર સદભાવ ના સાથે ઉજવવામાં આવે તે માટે સમાજના અગ્રણીઓનો સહયોગ અનિવાર્ય છે.
સોશિયલ મીડિયા પર અફવાઓ થી દૂર રહેવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી હતી.
ચોરી અને ટ્રાફિક સમસ્યા અંગે વિશેષ મંથન;
શાંતિ સમિતિની આ બેઠકમાં માત્ર તહેવારો પૂરતી જ નહીં, પરંતુ મેંદરડા વિસ્તારની રોજીંદી સમસ્યાઓ અંગે પણ ગંભીરતા થી ચર્ચા કરવામાં આવી હતી.
ઘરફોડ ચોરી પર અંકુશ રાખવા માટે રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવા અને વણશોધાયેલા ગુનાઓ અટકાવવા માટે પોલીસ સ્ટાફને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
ટ્રાફિક સમસ્યાનું નિવારણ: બજાર અને મુખ્ય રસ્તાઓ પર થતી ટ્રાફિકની સમસ્યાથી નાગરિકોને મુક્તિ અપાવવા માટે જરૂરી પગલાં લેવા અંગે ચર્ચા થઈ હતી.આ શાન્તી સમીતી બેઠક માં ગ્રામ પંચાયત સરપંચ જે.ડી. ખાવડું,પરસોતમ ઢેબરીયા, સુરેશ પાનસુરીયા, અશ્વિન ચાવડા, કરણ બાપુ, સહિત હિન્દુ અને મુસ્લિમ સમાજના વિવિધ અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મેંદરડા પોલીસ સ્ટેશનના જવાનો પણ આ તકે હાજર રહી કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવાનો કોલ આપ્યો હતો.
રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા


