Gujarat

સાબલપુર ચોકડી પાસેથી ફોર્ચ્યુનર કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો

​જૂનાગઢ એલસીબી દ્વારા લાખો રૂપિયાના દારૂ સાથે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જૂનાગઢ શહેર “એ” ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂનાગઢ એલસીબી દ્વારા પ્રોહિબીશનની ગણનાપાત્ર કામગીરી કરવામાં આવી છે.

જૂનાગઢ એલસીબી ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે સક્કરબાગ પાસે, રામદેવપરાના નાકા પાસે વોચ ગોઠવીને એક સફેદ રંગની ફોરચ્યુનર કાર ને રોકવામાં આવી હતી. આ કારની તલાશી લેતા ડ્રાઇવર સહિત કુલ 5 ઇસમો મળી આવ્યા હતા અને કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 3216 બોટલો (ચપટા) કિંમત રૂપિયા 5,13,216/- મળી આવી હતી.

6 મોબાઈલ ફોન સહિત 21 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો ​પોલીસે દારૂની આ બોટલો ઉપરાંત 15,00,000/- રૂપિયાની ફોર્ચ્યુનર કાર અને 1,10,000/- રૂપિયાની કિંમતના 6 મોબાઈલ ફોન સહિત કુલ 21,23,216/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે જૂનાગઢ શહેર ‘એ’ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબીશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પકડાયેલા આરોપીઓમાં ઉવેશ ઇસ્માઇલભાઈ સઈદભાઈ આરબ (રહે. જૂનાગઢ) તેમજ રાજસ્થાનના બાડમેર જિલ્લાના ધોરીમના તાબાના કબુલી ગામના રહેવાસી ભભુતારામ પદમારામ હિરારામ ભાદુ અને રમેશકુમાર મોહનલાલ ભીયારામ ડુડી, સેડવા તાબાના બાછલા ગામના હનુમાન જગદીશકુમાર હિરારામ ભાદુ તથા ગુડામાલાની તાબાના ગાંધવકલા ગામના દિનેશકુમાર નરીંગારામ વનારામ ભુખીયાનો સમાવેશ થાય છે.