ગોંડલની અક્ષરધામ સોસાયટીની બે યુવતીઓએ પોતાની કલાના માધ્યમથી ગોંડલના નરેશ મહારાજ સર ભગવતસિંહજીને અનોખી શ્રદ્ધાંજલિ પાઠવી છે. મહેનત અને લગનથી આ યુવતીઓએ મહારાજનું જીવંત લાગતું એક સુંદર પોટ્રેટ રંગોળી દ્વારા કંડાર્યું છે.
ગોંડલની અક્ષરધામ સોસાયટી શેરી નંબર-3માં રહેતી 23 વર્ષીય સિદ્ધિ ચિત્રોડા અને નિધિ પીઠવા નામના બે યુવતીઓએ મળીને મહારાજ સર ભગવતસિંહજીની 6×6 ફૂટના વિશાળ કદની રંગોળી બનાવી છે. આ અદભુત કલાકૃતિ તૈયાર કરવામાં આશરે 15 કલાક જેટલો સમય લાગ્યો છે અને 6 થી 7 કિલો જેટલા રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બંને યુવતીઓની આ કલા કારીગરી જોઈને સ્થાનિક લોકો દ્વારા પણ તેમની ભરપૂર પ્રશંસા કરવામાં આવી રહી છે.
ગુજરાતના ઇતિહાસમાં સૌરાષ્ટ્રના ગોંડલ રાજ્યના મહારાજા સર ભગવતસિંહજી (મહારાજા ભગવતસિંહજી સગ્રામજી સાહેબ બહાદુર) એક અજોડ, સુધારાવાદી અને પ્રજાવત્સલ શાસક તરીકે અમર છે. 24 ઓક્ટોબર 1865ના રોજ જન્મેલા મહારાજાએ નાની વયે જ ગોંડલની ગાદી સંભાળ્યા બાદ રાજ્યને આધુનિક અને સમૃદ્ધ બનાવવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું હતું.
09 March 1944ના રોજ તેમનું અવસાન થયું હતું. તેમના દ્વારા થયેલા લોકકલ્યાણના કાર્યો, ઉત્તમ નગર આયોજન અને ‘ભગવદ્ગોમંડળ’ જેવી અમૂલ્ય ભેટને કારણે તેઓ હંમેશાં ગુજરાતીઓ અને ઇતિહાસના હૃદયમાં જીવંત રહેશે.

