Gujarat

માતા પુત્રને ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને 1.53 કરોડની છેતરપિંડી

વડોદરા શહેરમાં સાયબર માફિયાઓએ આતંક મચાવીને માતા અને પુત્રને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી પરિવારના 5 અલગ-અલગ બેંક એકાઉન્ટ્સમાંથી કુલ 1,53,04,047ની જંગી રકમ પડાવી લીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ભેજાબાજ ઠગોએ પોતાને SBI, મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ, CBI અને RBIના ઉચ્ચ અધિકારીઓ તરીકે ઓળખાવી મની લોન્ડરિંગના ગંભીર કેસમાં ફસાવી જેલમાં ધકેલવાની ધમકી આપી હતી.

સતત દિવસ-રાત વીડિયો કોલ પર રાખીને પરિવારની મિલકત, મ્યુચ્યુઅલ ફંડ અને ફિક્સ ડિપોઝિટની માહિતી મેળવીને આ આખી રકમ ટ્રાન્સફર કરાવી લેવામાં આવી હતી. આ સમગ્ર મામલે ભોગ બનનાર પરિવારે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે.

ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન અને મુંબઈ પોલીસના નામે વીડિયો કોલ આવ્યો સિનિયર સિટીઝન પુત્ર દ્વારા નોંધાવવામાં આવેલી સત્તાવાર ફરિયાદ અનુસાર, ગત 31 જુલાઈના રોજ એક અજાણ્યા શખ્સે તેમની વૃદ્ધ માતાને કોલ કર્યો હતો. કોલરે જણાવ્યું હતું કે તેમના સ્વર્ગસ્થ પતિના નામે મુંબઈથી ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ થયું છે અને તેમાંથી રૂ. 1 લાખનું શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે. ગભરાયેલી માતાએ આ અંગે પોતાના પુત્રને જાણ કરી હતી.

ત્યારબાદ તરત જ વોટ્સએપ મારફતે પોલીસ યુનિફોર્મ પહેરેલા એક વ્યક્તિએ વીડિયો કોલ કરીને પોતાની ઓળખ મુંબઈ પોલીસના સબ-ઇન્સ્પેક્ટર તરીકે આપી હતી. આરોપીઓએ ઓળખ કાર્ડની વિગતો મેળવીને પરિવાર વિરુદ્ધ કરોડોના મની લોન્ડરિંગનો કેસ હોવાનો ભય બતાવ્યો હતો અને ઓનલાઇન ઇન્કવાયરીના નામે કેમેરો સતત ચાલુ રાખવા દબાણ કર્યું હતું.