Gujarat

પ્રેમિકાના સુસાઈડ કેસમાં 3 વર્ષે પ્રેમી-માતા સામે દુષ્પ્રેરણાનો ગુનો

વડોદરાના બાજવા નહેરુનગરની યુવતીને પ્રેમસંબંધ બાંધવા બાબતે યુવક અને તેની માતા દ્વારા અપાતા સતત માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકીઓથી કંટાળીને યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવ વર્ષ 2023માં બન્યો હતો. આ ચકચારી ઘટનામાં ત્રણ વર્ષે FSL રિપોર્ટના આધારે પોલીસે આરોપી પ્રેમી અને તેની માતા સામે આપઘાતની દુષ્પ્રેરણા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

‘તું મારા છોકરા સાથે સંબંધ ન રાખતી,તને પતાવી દઈશ’ નહેરુનગર બાજવા ખાતે રહેતી યુવતી સાથે ગામનો જ અક્ષય સોમલાલ સપકાળે નામનો શખ્સ તેનો પીછો કરી પ્રેમસંબંધ રાખવા માટે સતત દબાણ કરતો હતો અને સંબંધ ન રાખે તો ગંભીર પરિણામ ભોગવવાની ધમકીઓ આપી માનસિક ત્રાસ ગુજારતો હતો. આ સમગ્ર વિવાદ વચ્ચે 17 ડિસેમ્બર 2023ના રોજ બપોરના આશરે બે વાગ્યે આરોપી આકાશની માતા શોભાબેન સપકાળે ફરિયાદીના ઘરે આવી પહોંચી હતી.

તેણીએ ફરિયાદીની હાજરીમાં જ યુવતીને ધમકાવતા કહ્યું હતું કે, “તું મારા છોકરા સાથે સંબંધ ન રાખતી, જો તારે જીવ ન ખોવો હોય તો દૂર રહેજે, નહીં તો હું તને પતાવી દઈશ.” આ પ્રકારની ખુલ્લી ધમકી મળતાં યુવતી અત્યંત ભયભીત અને માનસિક આઘાતમાં સરી પડી હતી.

FSL રિપોર્ટ આવતા પ્રેમી અને માતા સામે દુષ્પ્રેરણાનો ગુનો પોલીસ તપાસ દરમિયાન મૃતક યુવતી અને આરોપીઓ વચ્ચેની વાતચીતની ઓડિયો ક્લિપો સામે આવી હતી. આ ઓડિયો ક્લિપમાં યુવતી રડતાં-રડતાં પોતાની લાચારી અને માનસિક વેદના વ્યક્ત કરતી સંભળાય છે. આરોપીઓ દ્વારા સતત આપવામાં આવતી યાતના અને માનસિક દબાણ આ ક્લિપો દ્વારા સ્પષ્ટપણે છતું થાય છે, જે કેસમાં મહત્વનો પુરાવો સાબિત થઈ છે. આ ઓડિયો ક્લિપનો FSL રિપોર્ટ આવતા આખરે પ્રેમી અને માતા સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.