મલેશિયામાં નોકરી અપાવવાના બહાને હાલોલના એક 58 વર્ષીય વ્યક્તિ પાસેથી રૂ.1 લાખ જેટલી રકમ મેળવી વર્ક વિઝાના બદલે વિઝિટર વિઝા પર મલેશિયા મોકલી આપ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. નારાયણી કન્સલ્ટન્સીના ગૌરવ શુક્લાએ રૂ.40થી 45 હજાર પગાર ઉપરાંત રહેવા, જમવા અને મેડિકલની સુવિધા આપવાની ખાતરી આપી હતી. પરંતુ આવી સુવિધા આપી નહોતી. આ અંગે કરણસિંહ નટવરસિંહ જાદવે ગૌરવ શુક્લા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
અખબારમાં નારાયણી કન્સલ્ટન્સીની વિદેશમાં નોકરીની જાહેરાત જોઈ પંચમહાલ જિલ્લાના હાલોલની ધવલપાર્ક સોસાયટીમાં રહેતા કરણસિંહ જાદવ સિક્યોરિટી એજન્સીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. વધુ કમાણી માટે વિદેશ જવાની ઇચ્છા હોવાથી તેમણે અખબારમાં નારાયણી કન્સલ્ટન્સીની વિદેશમાં નોકરી અંગેની જાહેરાત જોઈ હતી. જાહેરાતમાં આપેલા નંબર પર સંપર્ક કરતા કન્સલ્ટન્સી સંચાલક ગૌરવ શુક્લા સાથે વાતચીત થઈ હતી.
વર્ક વિઝાના બદલે એક મહિના માટે વિઝિટર વિઝા આપીને મલેશિયા મોકલ્યા શરૂઆતમાં અર્મેનિયા અને મોરેશિયસના વર્ક વિઝાની વાત થયા બાદ રૂ.1 લાખની ફીમાં મલેશિયાનો વર્ક વિઝા બનાવી આપવાની ખાતરી આપવામાં આવી હતી. કરણસિંહે 19 સપ્ટેમ્બર 2025ના રોજ રૂ.30 હજાર અને 27 સપ્ટેમ્બરે રૂ.55 હજાર ગુગલ-પેથી ચૂકવ્યા હતા. બાદમાં રૂ.50ના સ્ટેમ્પ પેપર પર કરાર કરી મલેશિયામાં રૂ.40થી 45 હજાર પગાર, રહેવા-જમવા તથા મેડિકલની સુવિધા આપવાની શરતો નક્કી કરવામાં આવી હતી. જોકે, ગૌરવ શુક્લાએ વર્ક વિઝાના બદલે એક મહિના માટે વિઝિટર વિઝા આપીને મલેશિયા મોકલ્યા હતા.

