Gujarat

જામનગરમાં 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો

જામનગરમાં રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પોલીસ હેડક્વાર્ટર ખાતે ‘Yoga for Healthy Ageing’ થીમ પર આ કાર્યક્રમ યોજાયો હતો.

આ ઉજવણીમાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, સરકારી અધિકારીઓ-કર્મચારીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. યોગના માધ્યમથી સ્વસ્થ જીવન જીવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

યોગ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ ઉપસ્થિત સૌએ વિવિધ યોગાસનો અને ધ્યાનની ક્રિયાઓ કરી હતી. આ કાર્યક્રમ દ્વારા સ્વસ્થ જીવનશૈલી, રોગપ્રતિકારક શક્તિમાં વધારો અને માનસિક એકાગ્રતા જેવા વિષયો અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.

આ કાર્યક્રમ માત્ર યોગાભ્યાસ પૂરતો મર્યાદિત ન રહેતા, સમાજના તમામ વર્ગોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા અને ‘ફિટ ઇન્ડિયા’ના સંકલ્પને મજબૂત બનાવવાનો સંદેશ ફેલાવ્યો હતો. કાર્યક્રમના અંતે, સૌએ નિયમિત યોગાભ્યાસ દ્વારા નિરોગી અને સક્રિય જીવન જીવવાનો સંકલ્પ લીધો હતો.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કોલકાત્તા ખાતેના અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માણસા ખાતેના યોગ દિવસ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં યોગને માનવજાત માટે અમૂલ્ય ભેટ ગણાવી, સૌ નાગરિકોને દૈનિક જીવનમાં યોગ અપનાવવા પ્રેરિત કર્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર પી.બી. પંડયા, જિલ્લા વિકાસ અધિકારી નિશા, અગ્રણી ડો. વિનોદભાઈ ભંડેરી, નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી આદર્શ બસર, અગ્રણીઓ ભવાનભાઈ ચૌહાણ, સુનીલ રાઠોડ, ભવદીપ પંડ્યા, પોલીસ, હોમગાર્ડ્સ, રમતવીરો, વિદ્યાર્થીઓ, વિવિધ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ તેમજ આર્મી, નેવી અને એરફોર્સના જવાનો સહિતના મહાનુભાવો અને પ્રતિનિધિઓ સહભાગી થયા હતા.