Gujarat

જામનગર શહેરમાં શ્રમિક દુર્ઘટના બાદ તંત્રએ સુરક્ષિત ડિમોલિશન કર્યું

જામનગર શહેરમાં જર્જરિત કસ્ટમ હાઉસની ઇમારતને આજે રવિવારે હિટાચી મશીન વડે સુરક્ષિત રીતે તોડી પાડવામાં આવી હતી. તાજેતરમાં બનેલી દુર્ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો હતો.

શહેરમાં જર્જરિત ઇમારતો હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે. આ અંતર્ગત જૂના કસ્ટમ હાઉસની ઇમારત તોડતી વખતે છતનો એક મોટો હિસ્સો અચાનક તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં ત્રણ શ્રમિકો કાટમાળ નીચે દટાઈને ઇજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ ગંભીર બનાવને પગલે શહેરમાં બે સ્થળોએ પાડતોડની કામગીરી તાત્કાલિક અટકાવી દેવામાં આવી હતી. માનવશ્રમથી કામગીરી જોખમી જણાતા, તંત્ર દ્વારા કસ્ટમ હાઉસની ઇમારતને આધુનિક મશીનરી વડે તોડવાનો નિર્ણય લેવાયો હતો.

રવિવારે ડિમોલિશન શરૂ કરતા પહેલાં પૂરતી સાવચેતી રાખવામાં આવી હતી. આ વિસ્તારમાં વાહનોની અવરજવર અને ટ્રાફિક સંપૂર્ણપણે બંધ કરાયો હતો. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પાવર સપ્લાય પણ કાપી નાખવામાં આવ્યો હતો.

સુરક્ષાની તમામ તકેદારીઓ બાદ, સવારથી જ એક હિટાચી અને બે જેસીબી સહિતની ભારે મશીનરી કામે લગાડવામાં આવી હતી. મશીનોની મદદથી ગણતરીના કલાકોમાં જ આ જર્જરિત ઇમારતનું ડિમોલિશન સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યું.