Gujarat

બેડી વિસ્તારમાં 13 ગેરકાયદેસર બાંધકામો તોડી પડાયા, આશરે સવા કરોડ કિંમતની જમીન ખુલ્લી કરાઈ

જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના ભાગરૂપે વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસને ફરી એકવાર ગુનેગારો સામે લાલ આંખ કરી છે. જામનગરના બેડી વિસ્તારમાં આતંક મચાવનારી કુખ્યાત ‘સાયચા ગેંગ’ દ્વારા સરકારી જમીન પર પચાવી પાડેલા ગેરકાયદેસર બાંધકામો પર પ્રશાસને સંયુક્ત રીતે બુલડોઝર ફેરવી દીધું છે. ગેંગ દ્વારા ગેરકાયદેસર રીતે ખડકી દેવાયેલા આલીશાન બંગલા અને નાના-મોટા કુલ 13 બાંધકામોને ગણતરીના કલાકોમાં જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. આ કડક કાર્યવાહીને પગલે અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

9,800 ચોરસ ફૂટ જગ્યા મુક્ત કરાઈ આ મેગા ડિમોલિશન ઓપરેશન દરમિયાન રૂ. 1.16 કરોડની બજાર કિંમત ધરાવતી 917 ચોરસ મીટર (આશરે 9,800 ચોરસ ફૂટ) સરકારી જમીન માફિયાઓના કબજામાંથી મુક્ત કરાવીને તંત્રએ પોતાના હસ્તક લીધી છે. આ સમગ્ર કામગીરીનો આકાશી નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો હતો. જ્યાં પહેલા આલીશાન ગેરકાયદેસર બંગલાઓ ઊભા હતા, ત્યાં તંત્રની કાર્યવાહી બાદ હવે માત્ર કાટમાળ અને ખુલ્લી જમીન જ દેખાઈ રહી છે.

મેગા ડિમોલિશન ઓપરેશન દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઘટનાસ્થળે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જામનગરના એસપી ડો. રવિમોહન સૈની અને સીટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલા સાથે બંદોબસ્તમાં તૈનાત રહ્યા હતા. આ સાથે જ મહેસૂલ વિભાગ તરફથી પ્રાંત અધિકારી એસ.ડી. બારડ સ્થળ પર હાજર રહીને સમગ્ર કામગીરીનું સીધું સુપરવિઝન કર્યું હતું.