Gujarat

ગુજસીટોક સહિત 3 ગુનામાં નાસતા ફરતા 2 ઝડપાયા

વડોદરા શહેરમાં સંગઠિત ગુનાખોરી ડામવા માટે લાદવામાં આવેલા ગુજસીટોક (GUJCTOC) સહિતના ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા રીઢા ગુનેગારો સામે ક્રાઈમ બ્રાન્ચે સપાટો બોલાવ્યો છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે હરણી રોડ તળાવ પાસે આવેલી ‘ગોલ્ડન વ્યુ’ હોટલમાં ઓચિંતો દરોડો પાડીને વારસિયા પોલીસ મથકે નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં વોન્ટેડ 2 મુખ્ય આરોપીઓને દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓ સામે હત્યાના પ્રયાસ, લૂંટ, દારૂની હેરાફેરી અને આગચંપી જેવા અસંખ્ય ગુનાઓ નોંધાયેલા છે.

હરણી રોડ પર હોટલમાં દરોડો પાડી 2 આરોપીઓની ધરપકડ વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ હિમાંશુ ઉર્ફે હેરી લુધવાણી અને વરૂણ ઉર્ફે જેટલી હેમાણી હરણી તળાવ નજીક આવેલી ગોલ્ડન વ્યુ હોટલના રૂમમાં રોકાયા છે.

આ બાતમીના આધારે પોલીસે તુરંત હોટલની ઘેરાબંધી કરી રૂમમાં તપાસ કરતાં 25 વર્ષીય હિમાંશુ ઉર્ફે હેરી રમેશકુમાર લુધવાણી (રહે. વારસિયા, હાલ કપુરાઈ ચોકડી) અને 22 વર્ષીય વરૂણ ઉર્ફે જેટલી નંદલાલ હેમાણી (રહે. કુબેરનગર, અમદાવાદ) રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

હિમાંશુ 3 વખત પાસા હેઠળ જેલ જઈ ચૂક્યો છે પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે ઝડપાયેલો મુખ્ય આરોપી હિમાંશુ ઉર્ફે હેરી રીઢો ગુનેગાર છે અને તેની સામે વડોદરાના સમા, કારેલીબાગ, સિટી, વારસિયા, વાડી, હરણી, વરણામા તેમજ દાહોદના ઝાલોદ અને નડિયાદ ટાઉન સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 16 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જેમાં પ્રોહિબિશન, મારામારી, મિલકતને આગ લગાડવી, લૂંટ અને આરોપીઓને ભગાડવામાં મદદગારી કરવા જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. આ ગુનાહિત ઈતિહાસને કારણે તે અગાઉ 3 વખત પાસા (PASA) હેઠળ જેલવાસ પણ ભોગવી ચૂક્યો છે.