ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, બોરતળાવની પાળી પાસે પમ્પિંગ સ્ટેશનના પગથિયે એક મહિલા અને પુરુષ શંકાસ્પદ હાલતમાં બેઠા છે.
પોલીસે ત્યાં તપાસ કરતા જામનગરના ધ્રોલ પંથકના રમાબેન ઉર્ફે રામીબેન વાઘેલા (ઉ.વ. 41) અને સંજય ઉર્ફે મેહુલ વાઘેલા (ઉ.વ. 25) મળી આવ્યા હતા. તેમની તલાશી લેતા તેમની પાસેથી ₹37,500 રોકડા, સોનાનો ચેઈન, પેન્ડલ, ચાંદીની કડલી અને સિક્કા સહિત કુલ ₹3,42,300નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ મિલકત અંગે તેઓ કોઈ સંતોષકારક ખુલાસો ન કરી શકતા પોલીસે તેમની ધરપકડ કરી હતી.

ભાવનગરમાં ચાર સ્થળેથી ચોરી કર્યાંની કબૂલાત પોલીસ પૂછપરછ દરમિયાન આ માસીયાઈ ભાઈ-બહેને કબૂલ્યું હતું કે તેઓ તેમના પરિવારના અન્ય સભ્યો (માતા, ભાભી, બહેન અને માસી) સાથે મળીને ભાવનગરના વિવિધ વિસ્તારોમાં ચોરી કરતા હતા.કાળિયાબીડ વિસ્તારમાં અઢી વર્ષ પહેલા પાણીની ટાંકી પાસેની સોસાયટીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

એ સાથે જ રિંગ રોડ પર અઢી વર્ષ પહેલા ઘોઘા રોડથી એરપોર્ટ તરફના રિંગ રોડ પર આવેલી સોસાયટીમાં ઘરફોડ ચોરી કરી હતી. આખલોલ જકાતનાકામાં 9 મહિના પહેલા ટોયોટા શો-રૂમ પાછળ આવેલી સોસાયટીના મકાનમાંથી અને આશરે એક મહિના પહેલા જ્વેલ્સ સર્કલ પાસે આવેલી સોસાયટીમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

