Gujarat

ઝાંખર-પડાણા રોડ પરથી ગેરકાયદે ખનિજ વહન કરતા ૩ ડમ્પર ઝડપાયા

જામનગર જિલ્લામાં ગેરકાયદે ખનિજ ચોરી અને ઓવરલોડ વહન સામે ભૂસ્તરશાસ્ત્રી વિભાગે કાર્યવાહી કરી છે. ભૂસ્તરશાસ્ત્રીની સૂચના મુજબ, વિભાગની ટીમે ઝાંખર પાટિયાથી પડાણા રોડ પર અચાનક તપાસ કરી.

આ તપાસ દરમિયાન ગેરકાયદેસર રીતે બ્લેકટ્રેપ ખનિજનું વહન કરતા 3 ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા. આ કાર્યવાહીમાં આશરે ૮૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ખાણ-ખનિજ વિભાગની ટીમમાં નિખીલભાઈ અને નૈતિકભાઈએ વાહન ચેકિંગ કર્યું હતું. તપાસ કરતા સામે આવ્યું કે, એક ડમ્પર કોઈપણ આધાર-પુરાવા કે પાસ-પરમિટ વગર બિનઅધિકૃત રીતે બ્લેકટ્રેપ ખનિજ લઈ જતું હતું.જ્યારે અન્ય બે ડમ્પર રોયલ્ટી પાસની નિર્ધારિત ક્ષમતા કરતા વધુ ખનિજ વહન કરતા પકડાયા હતા.

ટીમે ત્રણેય વાહનો અને ખનિજ સહિત કુલ આશરે 85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા તમામ ડમ્પરો રાજશ્રી સ્ટોન ક્રશર ખાતે સુરક્ષિત રાખવામાં આવ્યા છે. જામનગર ખનિજ વિભાગે વાહનચાલકો અને માલિકો વિરુદ્ધ નિયમ મુજબ કાર્યવાહી શરૂ કરી છે.