જામનગરના રણમલ તળાવ-3 ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા સહિત મહાનુભાવોએ આ અભિયાનમાં સહભાગી બની શ્રમદાન કર્યું હતું. ‘એક દિન, એક ઘંટા, એક સાથ’ના સંકલ્પ સાથે યોજાયેલા આ અભિયાનમાં ઉપસ્થિત લોકોએ આસપાસના વિસ્તારની સફાઈ કરી સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

જનભાગીદારીથી સ્વચ્છતાનો સંદેશ આ સ્વચ્છતા અભિયાનના માધ્યમથી જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવામાં નાગરિકોની સક્રિય ભાગીદારીનું મહત્વ ઉજાગર કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા માત્ર કોઈ એક વ્યક્તિ કે સંસ્થાની જવાબદારી ન રહેતા સમગ્ર સમાજની સહિયારી જવાબદારી બને અને નાગરિકો સ્વચ્છતાને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.

