Gujarat

રાજકોટ જિલ્લામાં મહિલાઓ સહિત 55 જુગારી ઝડપાયા

શ્રાવણ મહિના દરમિયાન જુગાર રમતા શખસો સામે પોલીસે કડક કાર્યવાહાની શરૂઆત કરી દીધી છે. જેમાં શહેરમાં 3 દરોડામાં જુગાર રમતા 17 મહિલા સહિત 24ને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે જિલ્લામાં કુલ 10 દરોડામાં 55 લોકોને જુગાર રમતા ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલાના ઘરે જુગારધામ ચાલતું હતું રાજકોટ ગાંધીગ્રામ 2 પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેરેમાઉન્ટ સોસાયટીમાં મહિલાના ઘરે જુગારધામ ચાલતું હોવાની માહિતી મળતા પોલીસે ઘરમાંથી નાલ (કમિશન) ઉઘરાવી તીનપત્તીનો જુગાર રમી રહેલી 10 મહિલાને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.84,000ની રકમ તથા ગંજીપાના જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ભાડાના મકાનમાં બહારથી મહિલાઓને બોલાવતા ​જયારે બીજા દરોડામાં માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંકુરનગર મેઇન રોડ પરની દ્વારકાધીશ સોસાયટીમાં દરોડો પાડતા મહિલા પોતાના ભાડાના મકાનમાં બહારથી મહિલાઓને બોલાવી તીનપત્તીનો જુગાર રમાડતા હોવાનું સામે આવ્યું છે. જ્યાં દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 7 મહિલા ગંજીપાનાના પત્તા તથા રોકડા ₹18,200ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

કારખાનામાં જુગાર રમતા 7 ઝડપાયા ​આ તરફ આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામવન પાસે આદિત્ય ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં અશોકભાઈ વાલજી ગઢીયા નામના શખ્સ કારખાનામાં જુગારની ક્લબ ચલાવતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો જ્યાં કારખાના માલિક અશોકભાઈ ગઢીયા ઉપરાંત મનસુખભાઈ મોલીયા, સંજયભાઈ ફીરપરા, રાજેશભાઈ રામાણી, સાગરભાઈ ગઢીયા, હસમુખભાઈ મુંગરા અને કેવલભાઈ સાવલીયા નામના કુલ 7 આરોપી જુગાર રમતા ઝડપાઈ ગયા હતા.

જેમાં સ્થળ પરથી પોલીસે રોકડા રૂ.16,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આમ ત્રણેય દરોડામાં મળીને પોલીસે કુલ 24 આરોપીઓની અટકાયત કરી રૂ.1.18 લાખની રોકડ રકમ કબજે કરવામાં આવી છે.