ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણનો વ્યાપ અને ગુણવત્તા વધારવા માટે એક દૂરોગામી નિર્ણય લેવાયો છે. રાજયના અંતરિયાળ વિસ્તારોમાં માધ્યમિક શાળાઓનો વ્યાપ વધાર વાના ઉદ્દેશ સાથે શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર રાજયમાં 200 નવી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. આ મહત્વકાંક્ષી પ્રોજેકટ હેઠળ ગીર સોમનાથ જિલ્લાનાં શૈક્ષણિક વિકાસને વેગ આપવા માટે ઉના તાલુકામાં પસવાડા, માણેકપુર, કાળાપાણ, ખત્રીવાડા, એલમપુર અને વાંસોજ એમ નવી કુલ 6 કમ્પોઝીટ શાળાઓ મંજૂર કરવામાં આવી છે.
તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સુવર્ણ સંકુલ-1 ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્ન વાજા, શિક્ષણ રાજય મંત્રી રીવાબા જાડેજા, ચીફ સેક્રેટરી એમ.કે. દાસ, અગ્ર સચિવ મિલિન્દ તોરવણે ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં મુખ્યમંત્રીના હસ્તે નવીન શાળાઓના મંજૂરી પત્ર જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી. બોરીચાને એનાયત કરી સન્માન કરવામાં આવ્યુ હતું.

