કાલોલ પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) રંગીતસિંહ ચૌહાણ 32 વર્ષની સેવા બાદ વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા છે. તેમની વિદાય નિમિત્તે કાલોલ પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં એક વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં કાલોલ પોલીસ ઇન્સ્પેક્ટર આર. ડી. ભરવાડ અને સમગ્ર પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. પીઆઈ ભરવાડે રંગીતસિંહની કર્તવ્યનિષ્ઠા અને સેવાઓની પ્રશંસા કરી હતી.
પીઆઈ આર. ડી. ભરવાડ દ્વારા રંગીતસિંહને શાલ ઓઢાડી, સ્મૃતિભેટ અર્પણ કરી અને પુષ્પહાર પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત સૌએ તેમને નિવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી પોતાની ૩૨ વર્ષની પોલીસ સેવા પૂર્ણ કર્યા બાદ નિવૃત્ત થઈ રહેલા ASI રંગીતસિંહ ચૌહાણે આ પ્રસંગે પોતાના કાર્યકાળ દરમિયાનના અનુભવો વર્ણવ્યા હતા. તેમણે સહકર્મચારીઓ અને જનતા તરફથી મળેલા સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો.
આ પ્રસંગે કાલોલ પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત રંગીતસિંહના કુટુંબીજનો, મિત્રો, શુભેચ્છકો તેમજ નગરજનો અને સંસોલી ગામના નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

