પંચમહાલ જિલ્લામાં ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા અલગ-અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. શહેરા અને ઘોઘંબા તાલુકામાં દેશી-વિદેશી દારૂના અડ્ડા તથા હેરાફેરી સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે ગોધરા શહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત મોરવા હડફ તાલુકામાં જૂની અદાવતને લઈને 66 વર્ષીય વૃદ્ધ પર હુમલો કરાયાની ફરિયાદ પણ પોલીસમાં નોંધાઈ હતી.
શહેરામાં દેશી દારૂના અડ્ડા પર દરોડો, ચાર શખ્સો ઝડપાયા પોલીસે શહેરાના મારૂતીનંદન સોસાયટી વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં રૂ.11,400ની કિંમતનો 57 લિટર દેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. સ્થળ પરથી દારૂ પીવા આવેલા ત્રણ અને મદદગારી કરનાર એક મળી કુલ ચાર શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જોકે, અડ્ડો ચલાવતું દંપતી પોલીસને હાથ લાગ્યું નહોતું અને બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં હતાં.
ઘોઘંબા તાલુકાની ગોરાડા ચોકડી ખાતે સ્ટેટ મોનિટરિંગ યુનિટ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન વિદેશી દારૂ અને બિયરની કુલ 278 બોટલો, બાઈક તથા મોબાઈલ સહિત રૂ.1,13,674નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત અન્ય બે શખ્સો ફરાર થતાં તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.

