યાત્રાધામ દ્વારકામાં કિર્તી સ્તંભ નજીકના વિસ્તારમાં સ્થાનિક પોલીસે એક રહેણાંક મકાનમાં દરોડો પાડી માદક પદાર્થ ગાંજાના 734 ગ્રામ જથ્થા સાથે એક રીક્ષાચાલક શખસને દબોચી લીઘો હતો.પોલીસ પુછપરછમાં સેવન સાથે વેચાણના હેતુથી ગાંજા લાવ્યાનુ ખુલ્યુ હતુ.
પોલીસે રૂા. 36,700ની કિંમતનો ગાંજો ઉપરાંત મોબાઇલ સહિત 41 હજારનો મુદામાલ કબજે કરી પકડાયેલા શખસની સઘન પુછપરછ હાથ ધરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માદક પદાર્થની હેરાફેરી-વેપલાને ડામવા માટે પોલીસ દ્વારા અવિરત ઝુંબેશ હાથ ધરાઇ છે.જેમાં યાત્રાધામ દ્વારકામાં સ્થાનિક પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી.
જે વેળાએ પોલીસને કિર્તિ સ્ત્ંભ નજીકના વિસ્તારમાં રહેતો એક રીક્ષાચાલક શખસ ગાંજાના સેવન સાથે વેચાણની પ્રવૃતિઓ આચરતો હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસે કિર્તી સ્તંભ વિસ્તારમાં રહેતા જીતેશ વરજાંગભા માણેક નામના શખસના રહેણાંક મકાનમાં દરોડો પાડયો હતો.
દરોડા વેળા તલાશી લેતા પોલીસને માદક પદાર્થ ગાંજાનો 734 ગ્રામ જથ્થો મળી આવ્યો હતો.આથી પોલીસે રૂા. 36,700ની કિંમતનો ગાંજો ઉપરાંત મોબાઇલ ફોન સહિત રૂા. 41,700નો મુદામાલ કબજે કરી એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે જીતેશ માણેકની ધરપકડ કરી પુછપરછ સાથે વધુ તપાસ પીએસઆઇ પી.કે. ડાંગર દ્વારા હાથ ધરવામાં આવી છે.

