Gujarat

કલોલ શહેરમાં મિલકત સંબંધી ગુનાઓને માટે ચલાવેલી ઝુંબેશ અંતર્ગત ઘરફોડ ચોરી કરનાર ૨૦ વર્ષનો રીઢો આરોપી ઝડપાયો

કલોલ શહેરમાં મિલકત સંબંધી ગુનાઓને ડામવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત પોલીસને મોટી સફળતા મળી છે. કલોલ શહેર પોલીસે ઘરફોડ ચોરીના બનાવનો ગણતરીના કલાકોમાં પર્દાફાશ કરી માત્ર ૨૦ વર્ષની નાની ઉંમરે ૧૪થી વધુ ગુનાખોરીનો ઈતિહાસ ધરાવતા રીઢા ચોરને મુદ્દામાલ સાથે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે ગાંધીનગર જિલ્લામાં વણઉકેલાયા ગુનાઓ શોધવા માટે ચાલી રહેલી સઘન ઝુંબેશ અંતગર્ત કલોલ શહેર પોલીસ મથકના પીઆઇ એચ.એન.પટેલ ની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. આ દરમિયાન બાતમી માહિતી મળી હતી કે રામનગર વિસ્તારનો એક રીઢો ગુનેગાર શંકાસ્પદ હાલતમાં ફરી રહ્યો છે.

આ બાતમીના આધારે પોલીસે તુરંત જ ફિલ્ડિંગ ગોઠવીને હથીયારસિંગ ઉર્ફે નુરી સતનામસિંગ લુહારી નામના શખ્સને દબોચી લીધો હતો. જેની તલાશી દરમિયાન તેની પાસેથી રૂ. ૩૧,૫૦૦ની રોકડ રકમ મળી આવી હતી, જે તાજેતરમાં નોંધાયેલી ચોરીના ગુના સાથે સંકળાયેલી હોવાનું તપાસમાં સ્પષ્ટ થયું છે. પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ જાેતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.

માત્ર ૨૦ વર્ષની ઉંમરે આ શખ્સ વિરુદ્ધ કલોલ શહેર અને તાલુકા સહિત માણસા, પેથાપુર, નંદાસણ અને લાંઘણજ જેવા વિવિધ મથકોમાં લૂંટ અને ઘરફોડ ચોરીના ૧૪ જેટલા ગુનાઓ નોંધાયેલા છે.ગુનાખોરીની દુનિયામાં સક્રિય આ રીઢા તસ્કરની ધરપકડથી પાટનગર આસપાસના વિસ્તારોમાં ઘરફોડ ચોરીના બનાવોમાં ઘટાડો થવાની આશા છે. હાલમાં જપ્ત કરાયેલ રોકડ સાથે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.