Gujarat

સુરતમાં 22 વર્ષીય કમ્પ્યુટર એન્જિનિયરનો આપઘાત, ઇન્ટરવ્યૂ આપ્યા પણ નોકરી ન મળતા સુસાઇડ નોટ લખી જીવન ટૂંકાવ્યું

સુરતના અમરોલીમાં એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. કમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પણ લાંબા સમય સુધી યોગ્ય નોકરી ન મળતાં 22 વર્ષીય યુવકે ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. એકના એક લાડકવાયા પુત્રના અકાળે અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આપઘાત કરતા પહેલાં યુવકે અંગ્રેજીમાં લખેલી એક પાનાની સુસાઇડ નોટમાં પોતાનું દર્દ ઠાલવતા જણાવ્યુ હતું કે, હું નકામો બની ગયો છું, માતા-બહેન પર બોજ છું.

બહેન ઊંઘતી રહી અને દર્શને ગળાફાંસો ખાધો મૂળ પાટણ જિલ્લાના વતની અને હાલ અમરોલી ખાતે આવેલા સ્વસ્તિક કોમ્પ્લેક્સમાં 22 વર્ષીય દર્શન રાજેન્દ્ર ભોજક તેના પરિવાર સાથે રહેતો હતો. દર્શનના પિતા નિવૃત્ત જીવન ગાળે છે, જ્યારે તેની માતા અમરોલીની તપોવન સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે.

માતા નોકરી પર ગયાં હતાં અને પિતા પણ કોઈ કામ અર્થે બહાર ગયા હતા. ઘરે દર્શન અને તેની બહેન હાજર હતાં. બહેન ઊંઘી ગઈ તે દરમિયાન દર્શને ઘરમાં આવેલી લોખંડની બારી સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. બહેન જ્યારે જાગી ત્યારે ભાઈને લટકતી હાલતમાં જોઈ સ્તબ્ધ થઈ ગઈ હતી અને ચીસાચીસ કરી મૂકી હતી.

ઘટના અંગે અમરોલી પોલીસને જાણ કરાતાં પોલીસ કાફલો તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસને સ્થળ પરથી દર્શને હાથમેળે લખેલી એક પાનાની અંગ્રેજી સુસાઇડ નોટ મળી આવી હતી. સુસાઇડ નોટમાં દર્શને લખ્યું હતું કે, સારી નોકરી ન મળવાના કારણે હું નકામો બની ગયો છું અને માતા તથા બહેન માટે બોજારૂપ બની રહ્યો છું. એકના એક પુત્રના આ શબ્દો વાંચીને પરિવારજનો ઘેરા શોકમાં સરકી ગયા હતા.