Gujarat

ચાલુ નોકરીએ 22 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત

વડોદરા શહેરમાં નાની વયે હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટથી મોતના વધતા કિસ્સાઓ વચ્ચે વધુ એક આઘાતજનક ઘટના સામે આવી છે. શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા જાણીતા ‘ઇન્ફિનિટી સેવન સિઝ મલ્ટિપ્લેક્સ’ ની બુકિંગ ઓફિસમાં ફરજ બજાવતા માત્ર 22 વર્ષીય યુવાન કર્મચારીનું ચાલુ નોકરીએ અચાનક તબિયત લથડ્યા બાદ કરુણ મોત નીપજ્યું છે. ચક્કર આવ્યા બાદ ઊલટી થતાં યુવક સ્થળ પર જ બેભાન થઈને ઢળી પડ્યો હતો, જેને પગલે સમગ્ર સિનેમા પરિસરમાં ભારે અફરાતફરી અને શોકનો માહોલ સર્જાયો હતો.

અચાનક ચક્કર આવ્યા અને ઊલટી થયા બાદ બેભાન થયો પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાના હરણી રોડ પર આવેલી ઓમ રેસિડન્સીમાં રહેતો 22 વર્ષીય ચિરાગ સોલંકી ફતેગંજ સ્થિત ઇન્ફિનિટી સેવન સિઝ મલ્ટિપ્લેક્સની બુકિંગ ઓફિસમાં ફરજ બજાવતો હતો.

રોજિંદા ક્રમ મુજબ તે પોતાની ફરજ પર હાજર હતો તે દરમિયાન અચાનક તેની તબિયત બગડી હતી અને તેને માથું ઘૂમવા સાથે ચક્કર આવવા લાગ્યા હતા. ચક્કર આવ્યાની ગણતરીની મિનિટોમાં જ તેને ઊલટી થઈ હતી અને તે અચાનક જમીન પર ફસડાઈ પડ્યો હતો.

સાથી કર્મચારીઓએ તાત્કાલિક CPR આપ્યો યુવકને અચાનક ઢળી પડતો જોઈ ઓફિસમાં સાથે કામ કરતા કર્મચારીઓ ગભરાઈ ગયા હતા. તેમણે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક ચિરાગને CPR (કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન) આપીને તેના શ્વાસ અને ધબકારા પુનઃ કાર્યરત કરવાનો બનતો તમામ પ્રયાસ કર્યો હતો.

સાથોસાથ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને પણ જાણ કરવામાં આવી હતી. જોકે, 108 એમ્બ્યુલન્સની પેરામેડિકલ ટીમે ઘટનાસ્થળે પહોંચીને યુવકનું પ્રાથમિક પરીક્ષણ કરતાં તેને સ્થળ પર જ મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક તારણ મુજબ યુવકનું મોત અચાનક આવેલા સાયલન્ટ કાર્ડિયાક અરેસ્ટના કારણે થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.