સુરત શહેરમાંથી ડ્રગ્સ અને નશાની બદીને જડમૂળથી નાબૂદ કરવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત દ્વારા શરૂ કરાયેલા ‘નો ડ્રગ્સ ઈન સુરત સિટી’ અભિયાન અંતર્ગત સુરત પોલીસને મોટી સફળતા મળી છે. સારોલી અને જહાંગીરપુરા પોલીસ સ્ટેશનની ટીમોએ ચોક્કસ બાતમીના આધારે અલગ-અલગ જગ્યાએ દરોડા પાડીને કુલ 944 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક બિહારી યુવક અને એક 70 વર્ષની વૃદ્ધાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પલ્સર બાઇકની સીટ નીચે ગાંજો છુપાવી વેચતો બિહારી યુવક પકડાયો પ્રથમ કાર્યવાહીમાં, સારોલી પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.આર. વેકરીયા અને પીએસઆઈ યુ.બી. મેંદપરાની ટીમ પેટ્રોલિંગમાં હતી.
તે દરમિયાન એ.એસ.આઈ. અજીતભાઈ, હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ અને પ્રવીણભાઈને બાતમી મળી હતી કે એક ઇસમ બાઇકમાં ગાંજો લઇને પસાર થવાનો છે. પોલીસે બાતમીના આધારે ડી.એમ.ડી. ટેક્ષટાઇલ માર્કેટ નજીક કુંભારીયા ગામ તરફ જતા રોડ પર વોચ ગોઠવી સુમીત અરૂણકુમાર તીવારી (ઉ.વ. 25, રહે. કુંભારીયા ગામ, મૂળ બિહાર) નામના યુવકને ઝડપી પાડ્યો હતો.
પોલીસે આરોપી સુમીતની કાળા કલરની બજાજ પલ્સર બાઈક (નંબર GJ-05-TH-6940) ની સીટ નીચે તપાસ કરતા ત્યાંથી 206 ગ્રામ ચોખ્ખું વજન ધરાવતો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ₹10,300 ની કિંમતનો ગાંજો, ₹10,000 ની કિંમતનો મોબાઇલ અને ₹90,000 ની કિંમતની બાઇક મળી કુલ ₹1,10,300 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગાંજો આપનાર ‘રાજુ’ નામના અજાણ્યા સપ્લાયરને પોલીસે વોન્ટેડ જાહેર કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

