સુરત શહેરમાં ડિપ્રેશન અને અગમ્ય કારણોસર યુવાનોના જીવન ટૂંકાવવાના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આવી જ એક ઘટના સુરતના ગોડાદરા વિસ્તારમાંથી સામે આવી છે. મહાદેવનગર, પાવર હાઉસની બાજુમાં રહેતો અને CAનો અભ્યાસ કરતો 17 વર્ષીય અક્ષય વિક્રમ મોરે પોતાના ઘરમાં એકલો હતો, ત્યારે તેણે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો.
માતા બહારથી પરત ફર્યા ત્યારે અક્ષયને લટકતી હાલતમાં જોઈ ચીસ નીકળી ગઈ હતી. અક્ષયને તાત્કાલિક બેભાન હાલતમાં સારવાર અર્થે સ્મિમેર હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
તેના મગજમાં શું ચાલતું હતું તે અમને સમજાયુ નહીંઃ મહેન્દ્ર મોરે આ સમગ્ર કરુણ ઘટના અંગે મૃતક અક્ષયના કાકા મહેન્દ્ર કિસન મોરેએ જણાવ્યું કે, અક્ષય સ્વભાવે ખૂબ જ શાંત હતો અને ભણવામાં તે ખૂબ તેજસ્વી હતો. તે CAનો અભ્યાસ કરતો હતો. સવારે તેનો મોટો ભાઈ નોકરી પર ગયો હતો અને તેની માતા શાકભાજી લેવા બહાર ગઈ હતી. ઘરમાં કોઈ નહોતું ત્યારે અક્ષયે આ પગલું ભરી લીધું. તેની માતા આશરે સાડા નવ વાગ્યે ઘરે આવી ત્યારે આ ઘટનાની જાણ થઈ હતી. અક્ષયને કોઈ તકલીફ કે ડિપ્રેશન હોય તેવું ક્યારેય લાગ્યું નહોતું અને ઘરમાં પણ કોઈ વિવાદ નહોતો.

