Gujarat

બનાસકાંઠાના ચંડીસર ખાતે GIDC વિસ્તારમાં ઈલેક્ટ્રિક ડીપી બનાવતી ફેક્ટરીમાં આગનો બનાવ

જીલ્લાના ચંડીસર ખાતે આવેલ GIDC વિસ્તારમાં એક કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ આગનો બનાવ ઈલેક્ટ્રિક ડીપી બનાવતી ફેક્ટરીમાં થયો હતો.

આ ઘટના મામલે મળતી માહિતી મુજબ, જ્યારે આગની મોટી અને ઉંચી જ્વાળાઓ ભભૂકી ઊઠી ત્યારે પરિસરમાં ૧૦ થી વધુ શ્રમિકો કામ કરી રહ્યા હતા અને ગણતરીની મીનીટોમાં આગ પ્રસરી જતાં કામદારોમાં જીવ બચાવવા દોડધામ અને નાસભાગ મચી ગઈ હતી.

આગ લાગી હોવાના સમાચાર મળતા જ પાલનપુર અને ડીસા નગરપાલિકાના ત્રણથી વધુ ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત હાથ ધરી હતી, પોલીસનો કાફલો પણ સ્થળ પર તે સમયે પહોંચી ગયો હતો.

ફેકટરીમાં અચાનક આટલી મોટી આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. તેમજ આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે અંગે તંત્ર દ્વારા હજુ સુધી સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.