વડોદરામાં આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યાનાં 10 વર્ષે પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ નથી થઇ. એરપોર્ટના ટૂંકા રન-વેને કારણે અમેરિકા, કેનેડા અને UK જતી 500 પેસેન્જરની ક્ષમતાવાળી મોટી ફ્લાઇટ લેન્ડ કે ટેકઓફ કરી શકે એમ નથી, જેથી વડોદરાવાસીઓ માટે આવી સીધી ફ્લાઇટનું ભાવિ અધ્ધરતાલ છે. વડોદરાથી 42 હાજીઓનું એક ગ્રુપ હજ પઢવા માટે રવાના થયું છે. તેઓએ વડોદરાથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવા માંગ કરી છે.
હજ યાત્રા કરવા માટે વડોદરા એરપોર્ટ પરથી વાયા દિલ્હીથી જિદ્દાહ એરપોર્ટ પર પર પહોંચશે. હાજીઓની એક જ માગ હતી કે, વડોદરાથી ઇન્ટરનેશનલ એરપોર્ટની સુવિધા હજુ શરૂ થઈ નથી, જે ઘણી દુઃખ ની વાત છે અને વડોદરા માટે શરમજનક વાત છે. આવનારા સમયમાં તાત્કાલિક ધોરણે ઇન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત થાય એવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ મામલે વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષીએ જણાવ્યું હતું કે, ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારે પણ કેન્દ્રમાં રજૂઆત કરી છે.
વડોદરાના સોની વેપારી અને જાણીતા સામાજિક કાર્યકર ફારુકભાઈ સોનીએ જણાવ્યું હતું કે, વડોદરાથી આજે સવારે 8 વાગ્યે વડોદરાથી હાજીઓનું એક ગ્રુપ રવાના થયું છે. વડોદરા માટે આ પહેલી એવી ટૂર છે જે હાજીઓને હજ પઢવા માટે વડોદરાથી દિલ્હી અને ત્યાંથી ડાયરેક્ટ જેદ્દાહ લઈ જઈ રહી છે.
વડોદરા માટે આ ગર્વની વાત તો છે જ, પણ સાથે જ એક સંસ્કારી નગરી તરીકે આપણા માટે બહુ શરમજનક બાબત એ છે કે અહીં હજુ સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની સુવિધા નથી. અમારા ટૂરવાળાએ એક હિંમત કરી છે, પણ પ્રશ્ન એ થાય છે કે વડોદરાથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ કેમ નથી ચાલતી? જ્યારે સુરત સિટીની અંદર ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલુ છે, તો વડોદરા શહેરમાં કેમ નહીં?

