અમરેલીમાં એક અઘરી ઘટના બનવા પામી હતી જેમાં, ધારી તાલુકામાં આવેલ છતડીયા રેલવે ટ્રેક નજીક એક ભેંસ ડુંગર પરથી નીચે પટકાતા દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ડુંગર પર ઘાસચારો ચરતી વખતે અચાનક પગ લપસતા ભેંસ રેલવે ટ્રેક નજીક આવેલા ઢોળાવમાં ખાબકી હતી, જેને પગલે માલધારી મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
આ ઘટના મામલે મળતી માહિતી અનુસાર, છતડીયા રેલવે ટ્રેકની આસપાસના ડુંગર વિસ્તારમાં એક માલધારીની ભેંસ ઘાસચારો ચરી રહી હતી. દરમિયાન અચાનક ભેંસનું સંતુલન બગડતા તે ડુંગર પરથી નીચે ખાબકી હતી અને રેલવે ટ્રેક નજીક ફસાઈ ગઈ હતી. ભેંસ ટ્રેકની નજીક ખાબકતા તેને બહાર કાઢવી મુશ્કેલ બની હતી.
આ દરમિયાન ટ્રેન આવવાનો સમય નજીક હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. ભેંસને ટ્રેક નજીક ફસાયેલી જાેતા માલધારી મૂંઝવણમાં મુકાયા હતા. ઘટનાની જાણ થતાં સેવાભાવી વિનુભાઈ સહિતના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને ભેંસને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા.
સૌપ્રથમ રેલવે ટ્રેક પરથી ટ્રેનને સલામત રીતે રવાના કરવામાં આવી હતી. ટ્રેન પસાર થયા બાદ ભેંસને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભારે વજન ધરાવતી ભેંસને સામાન્ય રીતે ઉપર ખેંચવી શક્ય ન હોવાથી હાઇડ્રોલિક સાધનની મદદ લેવામાં આવી હતી.
હાઇડ્રોલિકની મદદથી ભેંસને યોગ્ય રીતે બાંધીને રેલવે ટ્રેક નજીકના ઢોળાવમાંથી ધીમે ધીમે ઉપર ખેંચવામાં આવી હતી. સમગ્ર રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન ભેંસને કોઈ ઈજા ન થાય અને રેલવે ટ્રેક પર કોઈ જાેખમ ઊભું ન થાય તેની તકેદારી રાખવામાં આવી હતી. અંતે ભારે જહેમત બાદ ભેંસને સુરક્ષિત રીતે ઉપર ખેંચી લેવામાં આવતા માલધારી સહિત સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ભેંસને હાઇડ્રોલિકની મદદથી ફિલ્મી સ્ટાઇલમાં રેસ્ક્યૂ કરવાની સમગ્ર ઘટનાનો વીડિયો પણ મોબાઇલ કેમેરામાં કેદ થયો હતો. રેસ્ક્યૂ દરમિયાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં પણ આ ઘટનાની ચર્ચા જાેવા મળી રહી છે. મુશ્કેલીમાં મુકાયેલા પશુને બચાવવા માટે સેવાભાવી લોકો દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની સ્થાનિકોમાં પ્રશંસા થઈ રહી છે.

