Gujarat

હોટલ સંચાલકને હાઈવે પર આંતરી બે શખ્સોનો હુમલો, પોલીસ ફરિયાદ નોંધાઈ

સિહોરના રાજપરા વિસ્તારમાં એક વર્ષ જૂની પાર્સલની અદાવતને લઈને હોટલ સંચાલક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, શખ્સોઓએ હોટલ સંચાલકને રસ્તામાં રોકી લોખંડના પાઈપ વડે પગ પર ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ મામલે હોટલ સંચાલકે સિહોર પોલીસ મથકે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી, પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે,

આ બનાવ અંગે સિહોર પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ફરિયાદી પારસ કુવાડિયા તેઓ આજે સાંજે પોતાની ઈલેક્ટ્રિક મોટરસાયકલ પર રાજપરાથી પોતાની હોટલ તરફ જઈ રહ્યા હતા, ત્યારે રાજકોટ-ભાવનગર હાઈવે પર તેમના જ ગામના ચેતન ભોપાભાઈ ડાંગર અને રાજુ ભોપાભાઈ ડાંગરે પોતાની કાર વડે પારસને આંતર્યા હતા, ત્યારબાદ બંને શખ્સોએ કારમાંથી ઉતરી પારસને ગાળો આપી હતી, પારસએ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા બંને શખ્સોએ લોખંડના પાઇપ વડે તેમના બંને પગ પર ઘા માર્યા હતા.

હુમલાખોરોએ પારસને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, ત્યારબાદ પારસ જીવ બચાવવા ત્યાંથી હોટલ તરફ ભાગ્યા હતા અને બાદમાં 112 નંબર પર જાણ કરી હતી,

હુમલાનું કારણ લગભગ એક વર્ષ પહેલા ચેતન ભોપાભાઈ ડાંગરે હોટલ પર જમવાનું પાર્સલ મંગાવ્યું હતું, જે પારસ દ્વારા મોકલવામાં આવ્યું ન હતું, આ બાબતે તે સમયે બોલાચાલી અને ઝઘડો થયો હતો, જેની દાઝ રાખીને આજે આ હુમલો કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું, અને આ મામલે પારસ એ ચેતન અને રાજુ વિરુદ્ધ સિહોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.