Gujarat

ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરીનું કૌભાંડ

ભાવનગરમાં ગ્રાહકોને ડિલિવરી માટે લઈ જવામાં આવતા ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરોમાંથી ગેરકાયદેસર રીતે ગેસ કાઢી ખાલી સિલિન્ડરોમાં ભરી 3 ના 5 બાટલાઓ કરતો હોવાનો કૌભાંડ સામે આવ્યું છે. ગતરોજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે બુધેલ-સીદસર રોડ પર આવેલ બાવળની કાંટમાં દરોડો પાડી એક શખ્સને સિલિન્ડરમાંથી ગેસ ચોરી કરી 3ના 5 બાટલા કરતા ઝડપી લઈ ગેસ કટીંગ માટેના સાધનો, સિલિન્ડરો અને અન્ય મુદ્દામાલ કબ્જે કરી.સમગ્ર મામલે એસઓજી એ શખસ સામે વરતેજ પોલીસ મથકમાં આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

વજન કાંટા સહિત 5 બાટલા કબજે કરવામાં આવ્યા ભાવનગર શહેરમાં ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરોમાંથી ગેરકાયદેસર રીતે ગેસ કાઢી તેનો સંગ્રહ કરવામાં આવતો હોવાનો ચોંકાવનારો ભાંડો ફૂટ્યો છે. આ બનાવ અંગે જાણવા મળતી વિગતી અનુસાર, ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનો સ્ટાફ ગતરોજ પેટ્રોલિંગમાં હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે ઇસ્કોન ઇલેવન સેક્ટર-11ની પાછળથી બુધેલ-સીદસર જવાના માર્ગે બાવળની કાંટ નજીક આવેલા ખુલ્લા પ્લોટમાં એક છોટા હાથી વાહનમાં ઘરેલુ રાંધણ ગેસના સિલિન્ડરોમાંથી ગેસ કાઢી ખાલી સિલિન્ડરોમાં ભરવાની કામગીરી ચાલી રહી છે.

બાતમીના આધારે એસઓજીએ સ્થળ પર રેઇડ કરતા ખુલ્લા પ્લોટમાં GJ-04-AW-9704 નંબરનો છોટા હાથી વાહન મળી આવ્યું હતું, જ્યાં રમેશ રવજીભાઈ બારૈયા ઉ.વ 52 રહે.કાળિયાબીડ, ભાવનગર હાજર મળી આવ્યા હતો.પોલીસે સ્થળની તપાસ કરતાં છોટા હાથી પાસે ભારત ગેસ કંપનીના ત્રણ અને ઇન્ડેન ગેસ કંપનીના બે સિલિન્ડરો વચ્ચે ખાસ પ્રકારની ધાતુની ભુંગળી ફિટ કરેલી જોવા મળી હતી.

પૂછપરછ દરમિયાન શખ્સે સ્વીકાર્યું હતું કે ભરેલા સિલિન્ડરમાંથી ખાલી સિલિન્ડરમાં ગેસ ટ્રાન્સફર કરવા માટે ભુંગળીનો ઉપયોગ કરવામાં આવે છે. સ્થળ પરથી એક ડિજિટલ વેઇટિંગ કાંટો પણ મળી આવ્યો હતો, જેના આધારે ગેસનું વજન માપીને કટીંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું.