Gujarat

કુંભારવાડામાં પોલીસનો લોકદરબાર યોજાયો

ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નીતેશ પાંડેયની હાજરીમાં બોરતળાવ પોલીસ મથક હેઠળની કુંભારવાડા પોલીસ ચોકી ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એસપી પાંડેયે લોકોની રજૂઆતો સાંભળી વિસ્તારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી.

દારૂ, ડ્રગ્સ અને વ્યાજખોરીથી દૂર રહેવા અપીલ લોકદરબાર દરમિયાન એસપી નીતેશ પાંડેયે દેશી-ઇંગ્લિશ દારૂ, ડ્રગ્સ, વ્યાજખોરી, લુખ્ખાગીરી અને સાયબર ફ્રોડ જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓથી સાવચેત રહેવા લોકોને અપીલ કરી હતી. આવી પ્રવૃત્તિઓ અંગે કોઈ માહિતી મળે તો પોલીસને જાણ કરી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા પણ અનુરોધ કર્યો હતો.

એસપી નીતેશ પાંડેયે જણાવ્યું હતું કે પોલીસ હંમેશા પ્રજાની મિત્ર છે અને સમાજમાં ફેલાયેલી ગુનાહિત બદીઓ દૂર કરી સ્વસ્થ સમાજના નિર્માણમાં પોલીસ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે લોકોને પોલીસ સાથે સંકલન જાળવીને વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા જાળવવામાં સહયોગ આપવા જણાવ્યું હતું.

ગેરકાયદે નાણાં ધીરધાર સામે અવાજ ઉઠાવવા હાંકલ એસપીએ લોકોને ગેરકાયદે નાણાં ધીરધારનો વ્યવસાય કરતા લોકોના ‘અજગરી ભરડા’માં ન સપડાવા ચેતવણી આપી હતી. આવા ગેરકાયદે વ્યવસાય કરતા લોકો અંગે પોલીસને માહિતી આપી તેમને ખુલ્લા પાડવા માટે પણ સ્થાનિકોને હાંકલ કરવામાં આવી હતી.